ગુજરાતના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં એકતાનગર VVIP સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
એકતા નગર ખાતે આગામી તારીખ ૩૦ અને ૩૧ મી ઓક્ટોબર -૨૦૨૫ના રોજ સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. જેના સંદર્ભે સુરક્ષા વ્યવસ્થાની કામગીરી અને વિવિધ સમિતીઓ દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ફફૈંઁ સર્કિટ હાઉસ એકતાનગરના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઈ હતી.
એકતાનગર વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય આવી પહોંચતા ગાર્ડ ઓફ ઓનર સાથે પોલીસ જવાનો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં પોલીસ વિભાગ, રેન્જ આઈજી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓએ સ્વાગત કર્યું હતું.

આ બેઠક દરમિયાન પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થનારા વીવીઆઈપીના રહેઠાણની આસપાસની સુરક્ષા વ્યવસ્થા અને સાફ-સફાઈની કાળજી રાખવા પર ખાસ ભાર મૂક્યો હતો. સાથે એકતા પરેડમાં પ્રદર્શિત થનાર ટેબ્લોની કામગીરી સત્વરે પૂર્ણ કરવા તથા આ કામગીરીનું સતત ઓબ્ઝર્વેશન થાય તે માટે જવાબદાર અધિકારીઓની નિમણૂંક કરવી, ટેબ્લો માટે બોલાવેલા ખાસ ડ્રાઈવર્સને લાવવા-પરત જવાની વ્યવસ્થા અને રહેઠાણ અંગે પણ જરૂરી ચર્ચા કરી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી વિશાખા ડબરાલ દ્વારા પાવરપોઈન્ટ પ્રેસન્ટેશનના માધ્યમથી તા. ૩૦મી અને ૩૧મી ઓક્ટોબર બંને દિવસની પોલીસ બંદોબસ્ત, સમગ્ર એકતાનગરની સુરક્ષા વ્યવસ્થા, આમંત્રિતોને કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવા માટે કાર અને બસની સુવિધા, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કીંગ અને વાહન વ્યવહારના રૂટ સહિતના આયોજન અંગેની વિગતવાર જાણકારી આપી હતી.
આ બેઠક દરમિયાન માર્ગ અને મકાન વિભાગ, વીજ વિભાગ, એકોમોડેશન કમિટી, પાણી પુરવઠા, આરોગ્ય વિભાગ, ટેબ્લોની કામગીરી અને ફાયર વિભાગ દ્વારા કરવાની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉપસ્થિત થનારા વીવીઆઈપી, લબાસણાના તાલીમાર્થીઓ તથા નાગરિકોના આગમન, રહેઠાણ અને પરત જવાની વ્યવસ્થા તેમજ ભોજન અને નાસ્તાની સુવિધા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રવાસન વિભાગ તેમજ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને તેમના કલાકારોને લગતી તમામ આનુસંગિક સુવિધા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ મહાનિર્દેશકશ્રી વિકાસ સહાયે જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સમિતીઓ દ્વારા થઈ રહેલી કામગીરીથી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને સવારે પરેડ ગ્રાઉડ સ્થળે કરેલી મુલાકાત દરમિયાન ધ્યાને આવેલી કેટલીક બાબતોમાં જરૂરી સુધારા કરવા અંગે પણ માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ બેઠકમાં વડોદરા રેન્જ આઈજી શ્રી સંદિપ સિંઘ, મ્જીહ્લ ના અધિકારીશ્રી ભૂપેન્દ્ર સિંહ, જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી વિશાખા ડબરાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળા, પ્રાયોજના વહીવટદાર સુશ્રી અંચુ વિલ્સન, નાયબ વન સંરક્ષકશ્રી અજ્ઞિશ્વર વ્યાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયા, રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીની વિવિધ સમિતીના સભ્યો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

