Gujarat

2 નવેમ્બરથી પરિક્રમાનો પ્રારંભ થશે, પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ

આગામી 2 નવેમ્બરથી શરૂ થનારી સુપ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ આ 36 કિલોમીટર લાંબી પરિક્રમામાં જોડાવાના હોવાથી તેમની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સુવિધા જળવાઈ રહે તે માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ‘પ્લાસ્ટિક મુક્ત ગિરનાર’ અભિયાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કલેકટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પરિક્રમાના તમામ પાસાઓની સમીક્ષા કરીને આયોજનને અંતિમ ઓપ અપાયો હતો.

કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે, પરિક્રમામાં પ્લાસ્ટિકની કોઈપણ ચીજવસ્તુ લઈ જઈ શકાશે નહીં અને તેનું ઉલ્લંઘન દંડનીય અપરાધ ગણાશે. તેમણે યાત્રિકોને આ અભિયાનમાં સહકાર આપવા માટે ખાસ અપીલ કરી હતી. પરિક્રમા પ્રવેશ દ્વાર પર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ અંદર ન જાય તે માટે સઘન ચેકિંગ અને યાત્રાળુઓને માર્ગદર્શન આપવામાં આવશે.​

36 કિલોમીટરના રૂટ પર રાઉન્ડ ધ ક્લોક વ્યવસ્થા પરિક્રમાના સમગ્ર 36 કિલોમીટર લાંબા રૂટ પર સુરક્ષા, આરોગ્ય અને સુવિધાઓનું સંકલન જળવાઈ રહે તે માટે તંત્રના મુખ્ય વિભાગો રાઉન્ડ ધ ક્લોક ફરજ પર રહેશે. પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, PGVCL, પાણી પુરવઠા વિભાગ અને હેલ્થ વિભાગના કર્મચારીઓ સતત હાજર રહેશે. કલેક્ટરે જણાવ્યું કે, તમામ સંબંધિત વિભાગો ડ્યુટી લિસ્ટ પોલીસ વિભાગને આપશે અને ઈમરજન્સીમાં ત્વરિત સહાય માટે આ કર્મચારીઓની ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવશે.​