Gujarat

31મી ઓક્ટો.એ પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગરમાં ભવ્ય પરેડ

અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી આ વર્ષે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે. રાષ્ટ્રીય એકતા દિવસે દેશભરના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી, ભવ્ય પરેડ, ટેબ્લોઝ, લાઇટિંગ શો અને સંગીતમય કાર્યક્રમો સાથે અનોખું દૃશ્ય સર્જાશે.

નવી દિલ્હીની પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે ભવ્ય એકતા પરેડ યોજાશે. આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB સહિત 16 કન્ટીજન્ટ્સ જોડાશે. ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના 5 શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં ભાગ લેશે. પરેડનું નેતૃત્વ હેરાલ્ડિંગ ટીમના 100 સભ્યો કરશે, જ્યારે 9 બેન્ડ કન્ટીજન્ટ્સ અને 4 સ્કૂલ બેન્ડ પણ પરેડમાં સંગીતમય સુરાવલીઓ રેલાવશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની પ્રતિમાને પૂજન કર્યા બાદ પરેડ અને કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમને કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝલક અને ટેબ્લોઝ ‘એકત્વ’ થીમ પર આધારિત 10 ટેબ્લોઝ રજૂ થશે. જેમાં NDRF, NSG, જમ્મુ-કાશ્મીર, આંદામાન-નિકોબાર, પુડ્ડુચેરી, મહારાષ્ટ્ર, ગુજરાત, મણીપુર, છત્તીસગઢ અને ઉત્તરાખંડ ભાગ લેશે. ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સૂર્યકિરણ અન્વયે ફ્લાય પાસ્ટ, NSGનો હેલ માર્ચ, CRPF અને ગુજરાત પોલીસની મહિલા ટુકડીઓની રાયફલ ડ્રિલ તેમજ BSFના ડોગ શો અને આસામ પોલીસનો મોટરસાયકલ સ્ટંટ શો પણ ખાસ આકર્ષણ રહેશે.