બોટાદ જિલ્લાના સાળંગપુર નજીક આવેલી ઉતાવળી નદીમાં એક અસામાન્ય અને ચિંતાજનક દૃશ્ય જોવા મળ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક થતાં આખી નદી સફેદ ફીણની ચાદરથી છવાઈ ગઈ હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

નદીમાં ‘સફેદ ચાદર’ પથરાયાના દૃશ્યો આ ઘટના સાળંગપુરથી લાઠીદડ ગામ તરફ જતાં રસ્તા પર આવેલા ઉતાવળી નદીના પુલ નજીક બની હતી. ગઈકાલે સાંજના સમયે ઉપરવાસના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના પાણીના પ્રવાહ સાથે જ આખી નદીમાં જાણે કોઈએ સફેદ રંગની ચાદર પાથરી દીધી હોય તેમ ફીણનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું.
સ્થાનિકો માટે આ દ્દશ્ય એક તરફ કુતૂહલનું કેન્દ્ર બન્યું છે, તો બીજી તરફ આ ફીણ પાછળનું કારણ શું છે તે અંગે મોટી ચિંતા વ્યાપી છે.
સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. તેમની માગ છે કે, નદીમાં પ્રદૂષણ ફેલાવનારા તત્વોને શોધી કાઢવામાં આવે અને ફીણનું સાચું કારણ શું છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે.

