Gujarat

PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેનાર છે. જેને લઈને 30 અને 31 ઓક્ટોબરે વડાપ્રધાન કેવડીયાના પ્રવાસે છે. કેવડીયા પહેલા તેઓ સાંજે 4 વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે. વાતાવરણ ખરાબ હશે તો પીએમ બાય રોડ કેવડિયા જશે.

આગામી તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે ત્યારે એકતાનગર -કેવડિયા કોલોની ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે.

આ ખાસ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, સાંસદ હેમાંગ જોષી, તમામ ધારાસભ્યો, વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલરો સહિત 500 જેટલા કાર્યકરો કેવડિયા જશે. આવતીકાલે 30 ઓક્ટોબરના સાંજે જ કોર્પોરેટરો અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો અને નેતાઓ ખાનગી લક્ઝરી બસમાં કેવડિયા પહોંચી જશે.

વડાપ્રધાન મોદી આવતીકાલે 30 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે વડોદરા એરપોર્ટ સાથે પહોંચશે. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે.

વડોદરા એરપોર્ટ પર 15 મિનિટના ટૂંકા રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે. જોકે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વર્ષે રહેલા વરસાદને કારણે વાતાવરણ ખરાબ થાય તો વડાપ્રધાન મોદી બાય રોડ કેવડિયા જશે.