જામનગરમાં ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રણમલ તળાવ ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન. મોદી અને જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે અગ્રણી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોશી અને દંડક કેતન નાખવા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ દોડમાં એનસીસી, હોમગાર્ડ્સ યુનિટના જવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.

વિદ્યાર્થીઓએ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ પોસ્ટરો અને બેનરો પ્રદર્શિત કર્યા હતા. કાર્યક્રમને અનુરૂપ દેશભક્તિ ગીતો અને રાસ મંડળીઓ દ્વારા રાસ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેણે વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું.

‘રન ફોર યુનિટી’ રણમલ તળાવના ગેઇટ નં.1 ના પાર્કિંગથી શરૂ થઈ હતી. આ દોડ શ્યામજી કૃષ્ણવર્મા સ્ટેચ્યુ અને મયુર મેડિકલ થઈને રણજીતનગર પટેલ સમાજ ખાતે સમાપ્ત થઈ હતી. સમાપ્તિ સ્થળે મહાનુભાવો અને પદાધિકારીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમના ભાગરૂપે સૌએ સફાઈ અભિયાનમાં પણ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા અને જિલ્લા રમત ગમત અધિકારી બી.જે. રાવલીયા સહિત જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

