ભાવનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત “રન ફોર યુનિટી” કાર્યક્રમ યોજાયો હતો.

આ દોડને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને જિલ્લા કલેકટર ડો.મનીષકુમાર બંસલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ સમગ્ર રૂટ પર દોડમાં જોડાઈને દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. દોડના પ્રારંભે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા.

આ રન ફોર યુનિટી કાર્યક્રમનો રુટ રૂપાણી સર્કલ થી ઘોઘા સર્કલ- મહિલા કોલેજ સર્કલ-ક્રેસન્ટ સર્કલ-મેઘાણી સર્કલ- ઘોઘા સર્કલ થઈને રૂપાણી સર્કલ સુધી દોડ યોજાઇ હતી. શહેરના તે જુદા જુદા વિસ્તારોમાંથી રન ફોર યુનિટી દોડ યોજાઈ હતી, જેમાં રૂપાણી સર્કલે દોડની પૂર્ણાહુતિ થઈ હતી.
રન ફોર યુનિટીમાં શહેરના એન.સી.સી. કેડેટ્સ, પોલીસ સ્ટાફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, રમતવીરો, વિદ્યાર્થીઓ, ફાયર વિભાગના કર્મચારીઓ તથા સૌ નગરજનો જોડાયા હતા.

