ટેક્સટાઇલ સિટી સુરતમાં વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ રોકાવવાનું નામ નથી લઈ રહી. આ વખતે યાર્ન ડીલર સાથે છેતરપિંડી કેસમાં એક આરોપીએ પોતાને જાણીતી શૈક્ષણિક સંસ્થાનો માલિક ગણાવીને લાખોનો ચૂનો ચોપડ્યો છે. આ કેસમાં ત્રણ આરોપીઓએ મળીને રૂ. 5.26 લાખનું બાકી પેમેન્ટ ન ચૂકવીને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
યાર્નના વેપારીને ખોટી ઓળખ આપી ચૂનો લગાવ્યો મજુરાગેટ ખાતે સ્વદેશ યાર્ન ફર્મ નામની પેઢી ધરાવતા ફરિયાદી સુનીલ સોમિત્રસિંગ ડાંગી (ઉંમર 56) એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. 27/11/2024 ના રોજ, મુખ્ય આરોપી મુકેશ સવાણીએ ફરિયાદીના પુત્ર ગૌરવ ડાંગીનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કર્યો હતો. મુકેશે પોતે રેડીયન્ટ સ્કૂલ અને સવાણી સ્કૂલનો માલિક હોવાની ઓળખાણ આપી હતી. તેણે જણાવ્યું હતું કે ટેક્સટાઇલનું મોટું કામ હોવાથી યાર્નની વધુ જરૂર છે.
આ વિશ્વાસના આધારે, આરોપીઓ મુકેશભાઈ તથા રાકેશભાઈએ તા. 09/12/2024અને તા. 10/12/2024ના રોજ ત્રણ બિલથી કુલ રૂ. 9,67,640નો પોલીયેસ્ટર યાર્નનો માલ ખરીદ્યો હતો. આ માલ આરોપીઓના કહેવા મુજબ રાજુભાઈની ફેક્ટરી, શ્રીજી એન્ટરપ્રાઇઝ ઉધના ખાતે ડિલિવર કરવામાં આવ્યો હતો.
માલ મળ્યા બાદ, આરોપી રાકેશભાઈએ માત્ર રૂ. 4,41,171નો ચેક ચૂકવ્યો હતો, અને બાકી નીકળતા રૂ. 5,26,468ના પેમેન્ટ માટે આરોપીઓ ગલ્લાતલ્લા કરવા લાગ્યા. ફરિયાદીએ ઉઘરાણી કરતાં ત્રણેય આરોપીઓ મુકેશભાઈ, રાકેશભાઈ અને રાજુભાઈ ઉડાઉ જવાબો આપીને સમય પસાર કરતા હતા. મુકેશ સવાણી મુખ્ય આરોપી છે ફરિયાદ મુજબ જેણે રેડીયન્ટ અને સવાણી સ્કૂલના માલિક તરીકેની ખોટી ઓળખ આપી હતી.
બીજો આરોપી, જેણે મુકેશભાઈ સાથે મળીને માલની ખરીદી કરી હતી અને આંશિક પેમેન્ટનો ચેક આપ્યો હતો અને રાજુભાઈ ત્રીજો આરોપી, જેની ફેક્ટરી (શ્રીજી એન્ટરપ્રાઇઝ, ઉધના) પર યાર્નનો માલ ડિલિવર થયો હતો અને જેના દ્વારા બાઉન્સ થયેલા ચેક આપવામાં આવ્યા હતા.

