Gujarat

પાંડેસરામાં 25 લાખથી વધુના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું

સુરત શહેરમાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ કરાવવાના ભાગરૂપે આજે ઝોન 4ના 6 અલગ-અલગ પોલીસ સ્ટેશનો અઠવા, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણના કુલ 42 પ્રોહિબિશન કેસોના લાખો રૂપિયાના ગેરકાયદેસર દારૂ અને બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.

દારૂ-બિયરના જથ્થા નાશ કરવામાં આવ્યો પોલીસ કમિશનરના આદેશ અનુસાર હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સહિતના અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા, જેણે પોલીસની કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશો બુટલેગરોને પહોંચાડ્યો છે. ઝોન 4 પોલીસ દ્વારા આ છ પોલીસ સ્ટેશનોના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલા દારૂ-બિયરના જથ્થાનો કુલ રૂ. 25 લાખથી વધુની કિંમતનો નાશ કરવામાં આવ્યો હતો.

વેસુ પોલીસ સ્ટેશનના બે કેસોમાં 9.12 લાખનો મુદ્દામાલ આ જથ્થામાં વેસુ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ સૌથી વધુ કિંમતી હતો, જેમાં માત્ર બે કેસોમાં જ 9,12,930ની કિંમતનો મોંઘો દારૂ ઝડપાયો હતો.

આ ઉપરાંત, અલથાણ પોલીસ સ્ટેશનના કેસોમાંથી આશરે રૂ. 8,66,000નો મુદ્દામાલ હતો, જ્યારે બાકીનો મુદ્દામાલ બાકીના પોલીસ સ્ટેશનો અઠવા, ઉમરા, ખટોદરા, પાંડેસરામાં દાખલ કેસના છે. વિવિધ દરોડાઓમાં પકડાયેલો આ માલ કોર્ટના આદેશ બાદ નાશ કરવા માટે એકત્રિત કરવામાં આવ્યો હતો.