Gujarat

રાજકોટમાં ગુજરાતનો પ્રથમ ટ્રમ્પેટ સેટ બ્રિજ બનશે, 53 કરોડના ખર્ચે બની રહેલો આકર્ષક બ્રિજ હીરાસર એરપોર્ટની નવી ઓળખ બનશે

રાજકોટથી માત્ર 35 કિમી દૂર અમદાવાદ હાઈ-વે પર આવેલા હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુંદરતા વધારવા અને કનેક્ટિવિટી સુધારવા માટે ગુજરાતનો સૌપ્રથમ ‘ટ્રમ્પેટ સેટ બ્રિજ’ આકાર લઈ રહ્યો છે.

52 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજની કામગીરી મે 2025માં શરૂ થઈ હતી અને એપ્રિલ 2026 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ બ્રિજની ડિઝાઈન ટ્રમ્પેટ સેટ જેવી અનોખી છે, જેમાં ઓવર અને અંડર બંને પાસ હશે, જેથી ટ્રાફિકનું એક પણ મર્જ ન થતા અકસ્માત પર અંકુશ આવી જશે

નેશનલ હાઈ-વેના એન્જિનિયર કલ્પેશ વીરડિયાએ જણાવ્યું હતું કે, કુલ 4 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ એરપોર્ટથી રાજકોટ, અમદાવાદ, મોરબી અને જીવાપર તરફના રસ્તાઓને અલગ-અલગ ડાયવર્ઝન આપીને સરળ બનાવશે.

આ બ્રિજ માત્ર સિમેન્ટ-કપચીથી નહીં, પણ તેની આસપાસ ગાર્ડનિંગ અને ટર્ફિંગ પણ કરવામાં આવનાર હોવાથી તે રાજકોટના પ્રવેશદ્વાર પર એક નવી ઓળખ બનીને આકર્ષણનું કેન્દ્ર બનશે. બ્રિજનો એક ભાગ રાજકોટથી સીધો એરપોર્ટ તરફ જશે અને આવશે તો બીજો ભાગ એરપોર્ટથી અમદાવાદ તરફ, મોરબી તરફ અને જીવાપર તરફ જવા માટે પણ જુદા-જુદા રસ્તાઓ નિકળશે.