વડોદરામાં છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વિઝા એજન્ટે ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા આપવાના બહાને સુરત અને ઊંઝાના ત્રણ યુવકો પાસેથી 15 લાખની રકમ પડાવી લીધી હતી. આ ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર વોન્ટેડ આરોપીની છાણી પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી છે અને તેને માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
બાતમીના આધારે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો પોલીસને બાતમી મળી હતી કે, છેલ્લા 4 મહિનાથી માંજલપુર પોલીસ સ્ટેશનના 15 લાખ રૂપિયાના છેતરપીંડીના ગુનાનો વોન્ટેડ આરોપી તુષાર દિલીપભાઈ સપકાલ (ઉં.વ. 35) છાણી ખાતે આવેલા રામાકાકા ડેરી સામે આવેલી ચાની કીટલી પાસે ઉભો છે. જેથી છાણી પોલીસ સ્ટાફના માણસોએ આરોપીને બાતમી આધારે ઝડપી પાડ્યો હતો.
છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો હોવાની કબૂલાત આરોપીની પુછપરછ કરતા તેના સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો હોવાની કબૂલાત કરી હતી. જેથી છાણી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને માંજલપુર પોલીસને સોંપ્યો હતો. માંજલપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

