રાજકોટ મનપા દ્વારા આજે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણીનું આયોજન સેન્ટ્રલ ઝોન કચેરીએ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભાવના અને સ્વદેશપ્રેમને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં મેયર સહિત મનપાનાં અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ‘વંદે માતરમ્’નાં સમૂહ ગાનની સાથે જ સ્વદેશી વસ્તુઓ અપનાવવાના શપથ લેવામાં આવ્યા હતા. અને મહાપાલિકાનું પ્રાંગણ ‘વંદે માતરમ્’ના ગીતથી ગુંજી ઊઠ્યું હતું. જોકે આ મહત્વના કાર્યક્રમમાં અમુક નગરસેવકોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. પરંતુ મેયરે હાજર ન રહેલા કોર્પોરેટરો બહારગામ હોવાનો બચાવ કર્યો હતો.

આ રાષ્ટ્રીય ગૌરવના કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન મેયર નયનાબેન પેઢડીયાએ સંભાળ્યું હતું. મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિતના પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી સ્તરે પણ ફાયર વિભાગ, વિજિલન્સ વિભાગ સહિતના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા.

સૌએ એક સાથે મળીને “સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્ શસ્ય શ્યામલામ્ માતરમ્ વંદે માતરમ્” ગીતનું ગાન કરીને રાષ્ટ્ર પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. ‘વંદે માતરમ્ @ 150’ ની ઉજવણીના ભાગરૂપે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા દેશની આર્થિક અને સામાજિક ઉન્નતિમાં યોગદાન આપવાના સંકલ્પ સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવવાના શપથ પણ લેવામાં આવ્યા હતા.

