Gujarat

SMC એ ગોવામાં દારૂની ફેક્ટરી ચલાવતા આરોપી વિપિન અરોરાની ધરપકડ કરી, કોર્ટે 15 દિવસના રિમાન્ડ મંજૂર

રાજસ્થાનના કુખ્યાત બુટલેગર અશોક બિશ્ર્નોઇ અને તેના સાગરિતો દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાના બુટલેગરોને લાખો-કરોડોનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ સપ્લાય કરી રાજ્યમાં દારૂની રેલમછેલ કરાતી હોવાથી આવી અસામાજીક પ્રવૃત્તિ કરનાર ટોળકીના કુલ 13 આરોપી સામે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ કેસમાં ગોવામાં દારૂની ફેક્ટરી ચલાવતા આરોપી વિપિન અરોરાની ધરપકડ કરી બન્ને આરોપીને વડોદરા સ્પેશિયલ કોર્ટ, ગુજસીટોક, સમક્ષ રજૂ કરી 30 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા અદાલતે ખાસ સરકારી વકીલ રઘુવીર પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી 15 દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનના કુખ્યાત બુટલેગર અશોક બિશ્ર્નોઇ અને તેના સાગરિતો દ્વારા પરપ્રાંતમાંથી મોટાપાયે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાજ્યના વિવિધ શહેરોના બુટલેગરોને પહોંચાડવામાં આવતો હોવાથી છેલ્લા ઘણાં સમયથી ચાલતી આ પ્રવૃત્તિ સામે પોલીસે પગલાં લીધા હોવા છતાં તે બેરોકટોક ચાલતી હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ ટોળકી સામે ગુજસીટોક હેઠળ શનિવારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.