ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા ૨૦૨૬ નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. લાખો વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા, તે પરીક્ષાઓ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ થશે. આ પરીક્ષાઓ ૧૬ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂર્ણ થશે. આ સમયપત્રક જાહેર થવાથી હવે વિદ્યાર્થીઓ અને શાળાઓને તેમની વ્યૂહરચના તૈયાર કરવા માટે પૂરતો સમય મળી ગયો છે.
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, ધોરણ ૧૦ ની પ્રથમ પરીક્ષા ભાષા વિષયની રહેશે, જે સંભવત: ૨૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે. જ્યારે ધોરણ ૧૨ ના બંને પ્રવાહો માટે પ્રથમ પેપર અલગ-અલગ રાખવામાં આવ્યા છે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પેપર અર્થશાસ્ત્ર વિષયનું રહેશે. આ ઉપરાંત, એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રે જવા ઈચ્છતા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાની શરૂઆત ભૌતિક વિજ્ઞાન (ફિઝિક્સ) વિષયના પેપરથી કરશે. આ સમયપત્રક વિદ્યાર્થીઓને તેમની તૈયારીઓને યોગ્ય દિશામાં લઈ જવા માટે માર્ગદર્શક બનશે.
બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની મહત્વપૂર્ણ ગણાતી ગુજકેટ પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ યોજાશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના લગભગ બે અઠવાડિયા પછી ગુજકેટનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓને તેની તૈયારી માટે પૂરતો સમય મળી રહે. બોર્ડ અને ગુજકેટની તારીખો એકસાથે જાહેર થતાં, લાખો વિદ્યાર્થીઓ માટે આ આગામી મહિનાઓ નિર્ણાયક સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે, બોર્ડ દ્વારા આ વખતે એક સકારાત્મક પગલું લેવામાં આવ્યું છે, જેમાં પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ તમામ સૂચનોની વિગતવાર સમીક્ષા કર્યા બાદ જ ટાઈમ ટેબલ તૈયાર કરીને જાહેર કરવામાં આવ્યું છે.

