Gujarat

ગોધરામાં સ્ક્રેપ યાર્ડમાં પાંચથી વધુ કારોમાં આગ

ગોધરાના દારૂણીયા રોડ વિસ્તારમાં આવેલા એક સ્ક્રેપ યાર્ડમાં આગ લાગી હતી. આ ઘટનામાં સ્ક્રેપમાં મુકેલી પાંચથી વધુ જૂની કારો બળીને ખાખ થઈ ગઈ હતી. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.

આગની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ગોધરા નગરપાલિકાનું ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

સ્ક્રેપ યાર્ડમાં પ્લાસ્ટિક, ટાયર અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની સક્રિયતાને કારણે આગને અન્ય વસ્તુઓ સુધી ફેલાતી અટકાવી શકાઈ હતી અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.