ધોઘંબા તાલુકાના ખેડૂતોએ આજે (13 નવેમ્બર)ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને આવેદનપત્ર પાઠવી અતિવૃષ્ટિ અને માવઠાથી થયેલા નુકસાન બદલ સરકારી સહાયમાંથી તાલુકાને બાકાત રાખવા સામે રજૂઆત કરી હતી. ખેડૂતોએ મામલતદાર મારફતે આ આવેદનપત્ર સુપરત કર્યું હતું.
ચાલુ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિ અને ત્યારબાદ થયેલા માવઠાને કારણે આદિવાસી વિસ્તારના ધોઘંબા તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડ્યા છે.

માવઠા બાદ સાંસદો, ધારાસભ્યો અને ખેડૂતોએ ખેતરોની મુલાકાત લઈ બગડી ગયેલા પાકનું નિરીક્ષણ કર્યું હતું. તેમની રજૂઆતના આધારે રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી હતી. જોકે, આ જાહેર કરાયેલી સહાયમાંથી ધોઘંબા તાલુકાને બાકાત રાખવામાં આવ્યો છે.
ખેડૂતોની માંગ છે કે જાહેર કરાયેલી સહાયમાં ધોઘંબા તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવે, જેથી નુકસાનગ્રસ્ત ખેડૂતોને શિયાળુ પાક માટે મદદ મળી શકે. આ સહાય તેમના માટે અત્યંત જરૂરી છે.

