જામનગરમાં બહુચર્ચિત બનેલ જેસીસી હાર્ટ ઈન્સ્ટિટયૂટ હોસ્પિટલમાં 105 દર્દીઓની હૃદયની ખોટી સારવાર મામલે ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ત્યારે હોસ્પિટલ સત્તાવારાઓ હવે એક બાજુ પોલીસ ફરિયાદની તજવીજ કરી રહ્યા છે. તો બીજી બાજુ આ ગોબાચારીની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે, ડો. પાર્શ્વ વોરાએ તમામ પ્રકારના ડેટા ડિલિટ કરી નાખ્યા છે. તેમજ પીએમજેવાયનું એકાઉન્ટ પણ ડિલિટ કરી નાખતા સત્તાવારાઓ મુંજાયા છે અને હવે ગાંધીનગરથી વિગતો મંગાવાઈ રહી છે. જામનગરના જેસીસી હાર્ટ ઈન્સ્ટિટયૂટ હોસ્પિટલમાં 105 દર્દીઓના હૃદયના ખોટા સારવાર મામલે રાજ્ય સરકારે દંડ કરી ડો. પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કર્યો.
આ મામલે ભારે હોબાળો મચી જવા પામ્યો છે. જે દર્દીઓએ આ હોસ્પિટલમાં સારવાર લીધી છે તેનામાં ભારે ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. બીજી બાજુ પાર્શ્વ વોરાને એક મહિના પહેલા અંદાજો આવી જતા તેણે તમામ પ્રકારના ઈ-મેઈલ તેમજ ડેટા અને પીએમજેવાય યોજનાને લગત તમામ ખાતાઓ અને અન્ય કાગળોનો નાશ કરી નાખ્યો હતો. જેના કારણે હોસ્પિટલ પાસે કોઈ વસ્તુ હાલ હાજર નથી.
દર્દીના ડેટા કે નથી કેટલા દર્દીઓએ સારવાર લીધી તે વિગતો. હવે આ બાબતે ગાંધીનગર ખાતેથી વિગતો માંગવામાં આવી રહી છે. બીજી બાજુ હોસ્પિટલના ડાયરેક્ટરો દ્વારા પોતાને બચાવવા માટે લીગલ એક્શન રૂપે પોલીસ ફરિયાદ ડો. પાર્શ્વ વોરા સામે કરવાની તજવીજ હાથ ધરી છે. હજુ સુધી ભોગ બનનારમાંથી કોઈ સામે આવ્યું નથી કે કોઈએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. જો કોઈ સામે આવશે અને ફરિયાદ કરશે તો ડો. પાર્શ્વ વોરા, તેના મળતીયાઓ અને ડાયરેકટરોની હાલત ખરાબ થઈ જશે.

