રાજકોટ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન.
રાજકોટ શહેર તા.૨૨/૧૧/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ રાજકોટ ખાતે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નવા ભવનના ભૂમિપૂજન બદલ ચેમ્બરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના વિકાસની વાત પર ભાર મૂક્યો હતો, જેના કારણે દરેક રાજ્યનો ભરોસો અને વિશ્વાસ કેન્દ્ર સરકાર પર વધ્યો છે. વડાપ્રધાનનું નેતૃત્વ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરાવવા સક્ષમ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનામાં માને છે અને તેમનો કાર્યમંત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રી તરીકે જ્યારે ગુજરાતના વિકાસની શરૂઆત કરી, ત્યારે માત્ર એક શહેર કે એક ઝોન નહીં, પરંતુ આખા ગુજરાત માટે વિચાર કર્યો હતો. તેમણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વીજળી,રોડ, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ સુધારવાની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ, ૨૦૦૩ માં, વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી, જેથી ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે ગ્લોબલ પ્લેટફોર્મ મળી શકે. આજે ગુજરાત તેના ફળ મેળવી રહ્યું છે. દુનિયાની ટોપ ૫૦૦ ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓમાંથી ૧૦૦ થી વધારે ગુજરાતમાં સ્થિત છે. નાના ઉદ્યોગોના મહત્વ પર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પહેલા ૬૬,૦૦૦ નાના ઉદ્યોગો નોંધાયેલા હતા, પરંતુ આજે ૨૭ લાખ જેટલા MSME રજિસ્ટર થયા છે. વિકસિત ગુજરાતના સંકલ્પને છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં રાજ્યમાં ચાર ઝોનમાં ચાર રીજીયોનલ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાંથી એક ઉત્તર ગુજરાતમાં સંપન્ન થઈ ગઈ છે, અને બીજી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આયોજન રાજકોટમાં આગામી જાન્યુઆરી, ૨૦૨૬માં થવાનું છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.




