Gujarat

મીઠાપુર ડુંગરીના યુવકે સાયબર ફ્રોડના નાણાં ઉપાડી સગેવગે કર્યા

ધારીના મીઠાપુર ડુંગરીના યુવકના ખાતામાં સાયબર ફ્રોડના 7.65 લાખ નાણાં જમા થયા બાદ તેને ઉપાડી સગેવગે કરતા ચલાલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. ચલાલા પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ આર.આર.ગળચરએ ધારીના મીઠાપુર ડુંગરી ગામના સુરેશ કાનજીભાઈ રાઠોડ સામે ગુનો દાખલ કર્યો હતો. સુરેશ રાઠોડના બેંક ખાતામાં સાયબર ફ્રોડના જુદા જુદા બે ટ્રાન્જેકશન થકી રૂપિયા 7.65 લાખ જમા થયા હતા.

આ નાણાં સાયબર ફ્રોડના હોવાની જાણ હોવા છતાં સુરેશ કાનજી રાઠોડે આર્થિક ફાયદા માટે તેના બેંક ખાતામાંથી ચેક અને એટીએમ મારફત સાયબર ફ્રોડના રૂપિયા 7.65 લાખ ઉપાડી લીધા હતા આ નાણાં સાયબર ફ્રોડના હોવાનું ખુલ્યું હતું. આ અંગે મીઠાપુર ડુંગરીના સુરેશ રાઠોડ સામે ચલાલા પોલીસ મથકમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા મુદ્દે ગુનો નોંધાયો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.