ગાંધીનગરની જીએમઇઆરએસ(GMERS) મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર શરમજનક રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી ‘ઇન્ટ્રો’ આપવાની ફરજ પાડી તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરવા બદલ 14 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને માત્ર કોલેજની બોયઝ હોસ્ટેલમાંથી 6 માસથી લઈને બે વર્ષ સુધીના સમયગાળા માટે રસ્ટિકેટ(સસ્પેન્ડ) કરી સત્તાવાળાઓએ ચુપકીદી સાધી લીધી છે.
GMERS મેડિકલ કોલેજમાં ‘રેગિંગ’નું કલંક ગાંધીનગર મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગની નવી ઘટના સામે આવતા કોલેજ વહીવટીતંત્રની જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે UGC રેગિંગને ફોજદારી ગુનો ગણાવતું હોવા છતાં મેડિકલ કોલેજ તંત્ર દ્વારા વારંવાર બનતી આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરવાને બદલે ‘ભવિષ્ય ન બગડે’ તેવી નરમ નીતિ અપનાવવામાં આવી છે.
સિનિયરો દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અભ્યાસ શરૂ થઈ ગયો છે. તેવામાં કોલેજની બોયઝ હોસ્ટેલમાં બીજા અને ત્રીજા વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને તેમને ‘ઇન્ટ્રો’ આપવાની ફરજ પડાઈ હતી. બાદમાં તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કર્યા હતા.
જેના પગલે પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને તાત્કાલિક મેડિકલ કોલેજ સત્તાધિશો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોલેજ સત્તાધિશોએ તપાસ શરૂ કરી હતી. પૂછપરછના અંતે બીજા અને ત્રીજા વર્ષના 14 જેટલા વિદ્યાર્થીઓ રેગિંગની ઘટના માટે જવાબદાર હોવાનું સામે આવ્યું હતું.

