ગાંધીનગરના મોટા ચિલોડા સર્કલ પર ભારે ટ્રાફિક જામથી બચવા યુ-ટર્ન લેવા માટે રસ્તો બદલવો અમદાવાદના એક નિવૃત્ત વૃદ્ધ માટે જીવલેણ સાબિત થયો છે. ગઈકાલે મધરાતે મહેસાણાથી બે ભાઈઓ સાથે કારમાં પરત ફરી રહેલા ૭૦ વર્ષીય વૃદ્ધ આઈવા ટ્રકની ટક્કરે કમકમાટીભર્યું મોત થયું છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના બાપુનગર ખાતે રહેતા નટવરભાઇ ઇશ્વરદાસ પટેલ તેમના બે નાના ભાઈ લક્ષ્મણભાઈ (ઉ.વ.૭૦) તથા પુરષોત્તમભાઈ સાથે ગઈકાલે બલેનો ફોરવ્હીલ ગાડી લઈને મહેસાણાના શંકરપુરા ખાતે ધાર્મિક પ્રસંગમાં ગયા હતાં. ત્યાંથી સાંજના આશરે સાડા છ વાગે ઘરે અમદાવાદ પરત જવા નીકળ્યા હતા.
એ વખતે ગાડી તેમના નાના ભાઈ પુરષોત્તમભાઈ ચલાવતા હતાં. દરમિયાન મોટા ચિલોડા સર્કલ પહોંચતા સર્કલ ઉપર નિત્યક્રમ મુજબ ભારે ટ્રાફીક જામ હતો. આથી અમદાવાદ જવા માટે પુરષોત્તમભાઈએ ગાડી હિંમતનગર તરફના રોડે મહુન્દ્રા બ્રીજથી યુ ટર્ન લીધો હતો. બાદમાં સામેના રોડે જતી વેળાએ પુરોહિત હોટલથી આગળ મેઇન હાઇવે ઉપર નવા બનેલ બ્રીજના છેડાએ કટ હોવાથી અન્ય વાહનો યુ ટર્ન લેતા હતા.
જેથી પુરષોત્તમભાઈએ ગાડી રોડની સાઇડમાં ઉભી રાખી દીધી હતી. અને નટવરભાઇ અને લક્ષ્મણભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યા હતા. ટ્રાફિક હોવાના લીધે ગાડી વળી નહીં શકતા બંને ભાઈઓ મહુન્દ્રા બ્રીજના નીચે તરફ જઈ રોડ ક્રોસ કરી રહ્યા હતાં. આ દરમ્યાન હિંમતનગર તરફથી આવતી આઇવા ટ્રકના ચાલકે પોતાની આઇવા ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લક્ષ્મણભાઇને ટકકર મારતા તેઓ રોડ ઉપર પડી ગયા હતાં. એજ ઘડીએ ટ્રકના ટાયર લક્ષ્મણભાઈ ઉપરથી ફરી વળ્યા હતા અને તેનું નટવરભાઈની નજર સામે જ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ અકસ્માત સર્જી આઇવા ટ્રક ચાલકે થોડે આગળ તેની આઇવા ગાડી રોડની સાઈડમાં ઉભી રાખી દીધી હતી. અને ટ્રક મૂકીને નાસી ગયો હતો. એવામાં આજુબાજુમાંથી માણસો ભેગા થઈ ગયા હતાં. આ બનાવની જાણ થતા ચિલોડા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. બાદમાં વોન્ટેડ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

