જામનગરના સોનલ નગર વિસ્તારમાં 10 એકર જમીન પર એક અનોખું ‘સહજ વન’ તૈયાર કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યુટ્સ દ્વારા જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન રિઝર્વ પ્લોટ પર આ બાગ બગીચો વિકસાવવામાં આવ્યો છે. અહીં 60થી વધુ પ્રકારના દુર્લભ, સંકટગ્રસ્ત અને નાશના આરે ઊભેલા વૃક્ષો-છોડનું વાવેતર કરાયું છે.

આ ‘સહજ વન’નો મુખ્ય ઉદ્દેશ જામનગરના લોકસ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો, ધ્યાન-પ્રાણાયામ અને આસન માટે જગ્યા પૂરી પાડવાનો, વાતાવરણને શુદ્ધ કરવાનો અને જૈવવિવિધતાને સંતુલિત કરવાનો છે. શહેરી વિસ્તારમાં વનોનું નિર્માણ કરીને નાગરિકો માટે પર્યાવરણ સુધારણાનું આ એક મહત્વપૂર્ણ પગલું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યૂટે વૃક્ષો અને છોડના રોપણ, ઉછેર અને જાળવણીની ત્રણ વર્ષ સુધીની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે. સંસ્થા દ્વારા અહીં નાના જાગૃતિ શિબિરો, ધ્યાનના કાર્યક્રમો અને કુદરતી શિક્ષણ જેવા બિન-વ્યાપારીક પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ગાર્ડન પ્લોટ પર પાણી અને સુરક્ષા માટે ચેન લિન્ક ફેન્સીંગ તેમજ ચોકીદાર કેબિન જેવો સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. ત્રણેય વનો ખાતે પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન સાથે વોકવે, ધ્યાન ઝોન, યોગા ઝોન, આરામ વિસ્તાર, નાની વોટર બોડી, બાળકોને રમવાની જગ્યાઓ, ગેઝેબો અને રેસ્ટરૂમ્સ જેવી જરૂરી નાગરિક સુવિધાઓ તૈયાર થઈ રહી છે.
અહીં વૃક્ષો-છોડના વિકાસ માટે યોગ્ય અંતર અને એકબીજાને ઉપયોગી વૃક્ષ-છોડનું વાવેતર કરાયું છે. હાર્ટફુલનેસ ઇકોલોજીકલ ડિઝાઇન ફ્રેમવર્ક અનુસાર, ઉપરની કેનોપી (મોટા વૃક્ષો), મધ્ય કેનોપી (મધ્યમ વૃક્ષો) અને અંડરસ્ટોરી (ઝાડીઓ)નું સ્તરીય મિશ્રણ કરીને જૈવવિવિધતા વધારવામાં આવી છે. દરેક છોડને “જીવનનો અધિકાર” મળે તેવા આશયથી પ્રત્યેક વૃક્ષ-છોડ વચ્ચે 3-5 ફૂટનું અંતર રાખવામાં આવ્યું છે.

વાવેતર માટે 3x3x3 ફૂટના ખાડા, પાંચ સ્તરના માટી મિશ્રણ (ટોપસોઈલ, કમ્પોસ્ટ, બ્લેક કોટન સોઇલ, નીમ પાવડર), વર્મી કમ્પોસ્ટ, બાયોચાર અને હાઇડ્રોજેલનો ઉપયોગ કરાયો છે. આ પહેલથી ત્રણ શહેરી પ્લોટને જંગલોમાં પુનર્જીવિત કરાયા છે, જે સ્થાનિક જૈવવિવિધતા અને જાહેર સુખાકારીને લાભ આપે છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં જાહેર-ખાનગી ભાગીદારીનું ઉત્તમ મોડેલ બનશે.

