Gujarat

સુરતના વેપારીએ સો.મીડિયા પર બદનામ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી, કીર્તિ સામે ગુજરાતમાં આ 10મો ગુનો

સુરત શહેરની કુખ્યાત અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે, જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો 10મો ગુનો છે. હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો છે.

આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી-કપચીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ પર ખંડણીખોર પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવાના અગાઉથી જ અનેક આરોપો છે. આ નવી ફરિયાદમાં પણ ધમકી અને બદનામ કરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો? વેપારી અલ્પેશ ડોંડાની ફરિયાદ મુજબ, સમગ્ર ઘટના ગત નવેમ્બર મહિનામાં બની હતી. અલ્પેશ ડોંડા એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં જોડાયા હતા, જ્યાં અન્ય બે વ્યક્તિ કીર્તિ પટેલ વિશે એલફેલ બોલી રહ્યા હતા.

લાઇવ દરમિયાન અલ્પેશ ડોંડા કીર્તિ પટેલ વિરુદ્ધ કંઈપણ બોલ્યા નહોતા અને તેઓ માત્ર સાંભળી રહ્યા હતા. આ બાબતની જાણ થતાં કીર્તિ પટેલે તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અલ્પેશ ડોંડાની આઈડી પર કોલ કર્યો હતો. કોલમાં કીર્તિ પટેલે ડોંડાને અભદ્ર ભાષામાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.