Gujarat

સુરતમાં બ્રિજ પરથી નદીમાં ઝંપલાવા જતી મહિલાને પોલીસે બચાવી

પતિ સાથેના ઝઘડામાં સંતાનો પોતાનો નહીં પરંતુ પતિની તરફેણ કરતા હોવાથી માઠું લાગી આવતા અમરોલી વિસ્તારમાં રહેતી મહિલા તાપી નદીના કતારગામ-અમરોલી પુલ ઉપરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરવા જઈ રહી હતી.

પરંતુ ત્યાંથી પસાર થઇ રહેલા અમરોલી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની નજર પડતા તુરંત જ ઘસી જઈ મહિલાનો હાથ પકડી નદીમાં ઝંપલાવતા અટકાવી જીવન દાન આપ્યું હતું. આધેડ મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, દીકરાઓને મેં જન્મ આપ્યો પરંતુ ઘરમાં પતિ સાથે જ્યારે પણ ઝઘડો થાય ત્યારે મારા દીકરા મારી તરફેણ કરતા નથી.

52 વર્ષીય મહિલાનો તાપી નદીમાં ઝંપલાવવા પ્રયાસ અમરોલી પોલીસ સ્ટેશનના પો.કો. હરીભાઇ જીવણભાઇ આજ રોજ બપોરના અરસામાં પુત્રી સાથે બાઇક ઉપર ખરીદી કરવા જઈ રહ્યા હતા. દરમિયાનમાં અમરોલી-કતારગામ તાપી નદીના બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે 52 વર્ષની મહિલાને પુલની પેરાફીટ કુદી તાપી નદીમાં ઝંપલાવવા પ્રયાસ કરવા જઈ રહ્યા હોવાથી તુરંત જ બાઇક પાર્ક કરી આધેડ મહિલાનો હાથ પકડી નદીમાં ઝંપલાવતા અટકાવ્યા હતા.

પતિ સાથે ઝઘડો થતાં મારા દીકરા મારી તરફેણ કરતા નથી રાહદારીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું અને મહિલાને તુરંત જ અમરેલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં પોલીસ સ્ટેશનની સી ટીમના એએસઆઈ ક્રિષ્નાબેન પ્રદીપભાઈએ મહિલાનું કાઉસલીંગ કર્યું હતું. જે અંતર્ગત તેણીએ જણાવ્યું હતું કે, મારા દીકરાઓને મેં જન્મ આપ્યો પરંતુ ઘરમાં પતિ સાથે જ્યારે પણ ઝઘડો થાય ત્યારે મારા દીકરા મારી તરફેણ કરતા નથી અને હંમેશા તેમના પિતાની તરફેણ કરે છે.