Gujarat

જામનગરના હાડાટોડામાંથી 4.35 લાખનો દારૂ ઝડપાયો

જામનગર LCB ટીમે ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાંથી રૂ. 4.35 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક વાડીની ઓરડીમાં સંતાડેલો આ દારૂ કબજે કરી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સપ્લાયરનું નામ ખુલ્યું છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી હતી કે, રાજસ્થાનથી આયાત કરાયેલો ઇંગ્લિશ દારૂ હાડાટોડા ગામમાં એક વાડીની ઓરડીમાં સંતાડવામાં આવ્યો છે.

ગઈકાલે રાત્રે LCBની ટીમે દરોડો પાડી વાડીની ઓરડીમાંથી 1,314 નંગ નાની-મોટી ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસે કુલ રૂ. 4,35,600ની કિંમતનો દારૂ અને એક મોબાઈલ ફોન કબજે કર્યો છે.

દારૂના ધંધાર્થી જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (રહે. હાડાટોડા)ની અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન જયપાલસિંહે જણાવ્યું કે તેણે રાજસ્થાનના જગદીશભાઈ નામના વ્યક્તિ પાસેથી આ દારૂ મંગાવ્યો હતો. પોલીસે જગદીશભાઈને ફરાર જાહેર કરી વધુ તપાસ રાજસ્થાન સુધી લંબાવી છે.