Gujarat

6 દિવસમાં ફરીવાર અક્ષરધામ ખાણીપીણી બજારમાં ચેકિંગ, ટીમે 12 નમૂના લીધા

ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા ફરી એકવાર 6 દિવસના ટૂંકા ગાળામાં જ અક્ષરધામ પાસેના ખાણીપીણી બજારમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના 12 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા અને 3 કિલો બિન આરોગ્યપ્રદ સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.

અત્યારસુધી નિષ્ક્રિય રહેલી ફૂડ શાખા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના બાદ એકાએક જાગૃત થઇ છે. જોકે, આ કામગીરી માત્ર યાત્રાધામ અને પ્રવાસન સ્થળો એટલે કે અક્ષરધામ પુરતી જ સિમિત રહી હોય તેવું જણાય છે.

ફૂડ સેફ્ટી વિભાગ અને GMCની સેનિટેશન શાખાએ અક્ષરધામ ખાતે ખાસ ડ્રાઇવ યોજી હતી. આ સંયુક્ત ડ્રાઇવ 3 ડિસેમ્બર બાદ 9 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન ખાદ્ય ચીજોના વેચાણ કરતા 32 એકમોની તપાસ કરવામાં આવી. 3 ડિસેમ્બરે નોટિસ અને સૂચનાઓ આપવામાં આવેલા એકમોમાં સુધારો જોવા મળ્યો હતો.