Gujarat

વેસ્ટર્ન રેલવે GM ગોધરા સ્ટેશનની મુલાકાતે

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે આજે ગોધરા રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યોનું વિગતવાર નિરીક્ષણ કર્યું.મુલાકાત બાદ જનરલ મેનેજરે જણાવ્યું કે ગોધરા જંક્શન એક અત્યંત મહત્વનું સ્ટેશન છે. તેમણે ઉમેર્યું કે પુનર્વિકાસના મોટાભાગના કામો પૂર્ણ થઈ ગયા છે અને બાકી રહેલું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.

તેમણે પુનર્વિકાસના મુખ્ય કાર્યોની વિગતો આપતા જણાવ્યું કે નવી આધુનિક બુકિંગ ઓફિસ તૈયાર કરવામાં આવી છે. મુખ્ય પ્રવેશદ્વારનું સૌંદર્યીકરણ અને વિસ્તરણ પણ કરાયું છે.આ ઉપરાંત, તમામ પ્લેટફોર્મ પર નવા સરફેસનું કામ પૂર્ણ થયું છે. ફૂટ ઓવર બ્રિજ (FOB)નું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે.

વેઇટિંગ રૂમ અને રિટાયરિંગ રૂમનું આધુનિકીકરણ કરાયું છે. લાઇટિંગ, સાઇનેજ અને પીવાના પાણી સહિતની અન્ય મુસાફર સુવિધાઓમાં પણ સુધારો કરાયો છે.જનરલ મેનેજરે ઉમેર્યું કે આ નવી સુવિધાઓથી લાખો મુસાફરોને સુખદ અનુભવ મળશે.

આ ઉપરાંત, તેમણે શહેરા-ભાગોળ વિસ્તારમાં રેલવે અંડરપાસ અને કેટલીક મહત્વની ટ્રેનોના ગોધરા ખાતે વધારાના સ્ટોપેજ વિષયક પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી. જનરલ મેનેજરે જણાવ્યું કે બંને મુદ્દાઓની ગંભીરતાથી સમીક્ષા કરાશે અને શક્ય તેટલી વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ કામગીરી હાથ ધરાશે.આ મુલાકાત દરમિયાન વડોદરા ડીઆરએમ સહિત રેલવેના વરિષ્ઠ અધિકારીઓ, આરપીએફ અને જીઆરપીના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.