Gujarat

જામનગરમાં SIR અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા બેઠક

જામનગરમાં કલેક્ટર કચેરી ખાતે રોલ ઓબ્ઝર્વર અને પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષસ્થાને SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર, તમામ ERO, AERO અને Add. AERO ઉપસ્થિત રહ્યા હતા.

અનુપમ આનંદે ચૂંટણીલક્ષી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અધિકારીઓને મેપિંગની કામગીરી વધારવા, બૂથ લેવલ ઓફિસર્સ (BLO)ને SIR અંતર્ગત આગામી કામગીરી માટે તાલીમ આપવા અને તમામ કામગીરી ચોકસાઈપૂર્વક તથા નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.

તેમણે નવા મતદારોના ફોર્મ નંબર 6 સત્વરે મેળવવા અને આ સંદર્ભે વિશેષ કેમ્પ યોજવા પણ નિર્દેશ આપ્યો હતો. વધુમાં, અનુપમ આનંદે સમયાંતરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને સહકાર સાધવા જણાવ્યું હતું.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જિલ્લાનું ચૂંટણી તંત્ર એવી રીતે કામગીરી કરે કે મતદારયાદી ખરા અર્થમાં ચોકસાઈભરી અને ભૂલરહિત બને.