ગુજરાતમાં લગ્ન રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં સંભવિત ફેરફારને લઈને ચર્ચા તેજ બની છે. સરકાર લગ્ન નોંધણી માટે 30 દિવસની ફરજિયાત પૂર્વ સૂચના લાગુ કરવાની દિશામાં વિચારણા કરી રહી છે. આજની કેબિનેટ બેઠકમાં આ મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.
લગ્નોને કારણે સામાજિક તણાવ અને કાનૂની વિવાદો વધ્યા પાટીદાર સમાજ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પાટીદાર સમાજનું માનવું છે કે અચાનક લેવાતા નિર્ણયો, પ્રેમલગ્ન અને પરિવારની જાણ વિના થતા લગ્નોને કારણે સામાજિક તણાવ અને કાનૂની વિવાદો વધી રહ્યા છે. તેથી લગ્ન રજિસ્ટ્રેશન પહેલાં યોગ્ય સમયમર્યાદા રાખવી જરૂરી હોવાનું સમાજ દ્વારા રજૂઆતમાં જણાવાયું છે.
કેબિનેટ મંજૂરી બાદ નોટિફિકેશન જાહેર કરાશે સરકારી વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, જો સરકાર આ ફેરફારને માત્ર નિયમ (Rules) સુધી મર્યાદિત રાખે, તો કેબિનેટ મંજૂરી બાદ નોટિફિકેશન જાહેર કરીને તરત અમલમાં મૂકી શકાય છે. પરંતુ જો આ જોગવાઈ હિંદુ મેરેજ એક્ટમાં સમાવવાની હોય, તો વિધાનસભામાં બિલ લાવી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
ગેરરીતિ અને દબાણ હેઠળ થતા લગ્નો અટકાવવાનો સરકારનો દાવો નવા નિયમથી એક તરફ ગેરરીતિ અને દબાણ હેઠળ થતા લગ્નો અટકાવવાનો સરકારનો દાવો છે, તો બીજી તરફ પ્રેમલગ્ન કરનારા યુગલો માટે તરત કાનૂની માન્યતા મેળવવી મુશ્કેલ બની શકે છે. પાટીદાર સમાજની રજૂઆત બાદ હવે આ મુદ્દો સામાજિક તેમજ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.

