Gujarat

જામનગરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા સહિતના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટર કેતન ઠક્કરે સંબંધિત અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં અને આયોજનબદ્ધ રીતે ઉકેલ લાવવા સૂચના આપી હતી. તેમણે તમામ પડતર કામોનો ઝડપથી નિકાલ લાવવા પર ભાર મૂક્યો હતો.

બેઠકમાં ધારાસભ્યોના અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નોમાં આરોગ્ય, જમીન, વીજળી, પાણી અને માર્ગો સંબંધિત મુદ્દાઓ મુખ્ય હતા. ચર્ચાયેલા મુદ્દાઓમાં કાલાવડ તાલુકામાં મંજૂર થયેલા આરોગ્ય કેન્દ્રના કામો, સનદના પ્રશ્નો, કોઝવે અને ઘરથાળના પ્લોટ ફાળવવા, અન્ડરગ્રાઉન્ડ બ્રિજ નીચે રસ્તો ખુલ્લો કરવા, પીએચસી સેન્ટરમાં એમ્બ્યુલન્સ ફાળવણી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

વીજળી સંબંધિત પ્રશ્નોમાં ગામતળથી દૂર વીજ લાઇન નાખવી, ટી.સી. બદલવા, સબસ્ટેશનની જગ્યા ન બદલવી, નવું સબસ્ટેશન બનાવવું અને ખેડૂતોને વીજપરીવહન કરતી લાઇનના વળતર ચૂકવવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. પાકને થયેલા નુકસાનનું વળતર, ફોરેસ્ટ જમીનની માપણી, પ્રોપર્ટી કાર્ડ અને સ્ટ્રીટ લાઇટના કામો પણ ચર્ચાયા હતા.