Gujarat

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા પૂર્વે વહીવટી તંત્ર એક્શનમાં

​જૂનાગઢમાં આગામી સમયમાં યોજાનારા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ગંભીરતા દાખવી છે. મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર દામોદર કુંડની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મનપા કમિશનર તેજસ પરમાર, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તેમજ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી.

​ઉપરવાસમાંથી ગટરનું ગંદુ પાણી વહીને સીધું કુંડમાં ભળતું હોવાની ફરિયાદો ઉઠી દામોદર કુંડ એ શ્રદ્ધાળુઓ માટે અતિ પવિત્ર સ્થાન ગણાય છે, જ્યાં ભાવિકો સ્નાન કરીને પોતાના પિતૃઓના મોક્ષાર્થે અસ્થિ વિસર્જન અને તર્પણ વિધિ કરતા હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ઉપરવાસમાંથી ગટરનું ગંદુ પાણી વહીને સીધું કુંડમાં ભળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ગંદકીના કારણે શ્રદ્ધાળુઓની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી રહી હોવાથી તંત્ર દ્વારા આ બાબતને અગ્રતા આપીને કાયમી નિરાકરણ લાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આગામી શિવરાત્રી મેળા સુધી દર માસે કુંડની સફાઈ કરવામાં આવશે કલેક્ટર અને કમિશનરની આ મુલાકાત દરમિયાન ઉપરવાસમાંથી આવતા ગંદા પાણીને ડાયવર્ટ કરવા માટે એન્જિનિયરિંગ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. વહીવટી તંત્રએ ખાતરી આપી છે કે આગામી એક સપ્તાહમાં દામોદર કુંડની સંપૂર્ણપણે સફાઈ કરવામાં આવશે. આ સાથે જ નિર્ણય લેવાયો છે કે આગામી શિવરાત્રી મેળા સુધી દર માસે કુંડની સફાઈ કરવામાં આવશે અને તેમાં સતત શુદ્ધ પાણી ભરાયેલું રહે તેવું સુચારુ આયોજન કરવામાં આવશે.