હાલોલ ખાતે બસસ્ટેન્ડ ત્રણ રસ્તા પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના આક્ષેપોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કાર્યકમ યોજાયો હતો.
એસટી ડેપો નજીક આવેલી પોલીસ ચોકી આગળ વિએચપીના કાર્યકરો દ્વારા બાંગ્લાદેશની અંતરિમ સરકારના વડા મોહમ્મદ યુનુસનું જાહેરમાં પૂતળું સળગાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.વિરોધ દરમિયાન કાર્યકર્તાઓ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી ઊભી થયેલી રાજકીય અસ્થિરતાના પગલે ત્યાં હિંદુ સમુદાયને ઇરાદાપૂર્વક સુરક્ષા આપવામાં આવી રહી નથી,
અંતરિમ સરકાર દ્વારા રાજકીય અસ્થિરતાના મુદ્દે ભારત અને હિંદુઓને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ થતાં દેશમાં હિંદુઓ વિરુદ્ધ વાતાવરણ ઊભું થયું છે. પરિણામે હિંદુઓના ધાર્મિક મંદિરો, રહેણાંક મકાનો અને દુકાનોને નિશાન બનાવવાની ઘટનાઓ બની હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
વિએચપી કાર્યકરો દ્વારા વધુમાં એવો દાવો કરવામાં આવ્યો કે તાજેતરમાં એક યુવકની બેરહેમીથી હત્યા કરી તેના મૃતદેહને વૃક્ષ પર લટકાવી સળગાવી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર ભારતમાં બાંગ્લાદેશ સરકાર સામે જનાક્રોશ ફાટી નીકળ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશભરમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે.

