Gujarat

દીકરીને ભરણ પોષણ ચૂકવવા હાઈકોર્ટનો માતાને નિર્દેશ

ગુજરાત હાઈકોર્ટે માતા દ્વારા પોતાની બેરોજગાર અને અવિવાહિત દીકરીને ચૂકવવાનો ભરણપોષણનો આદેશ જાળવી રાખ્યો છે. માતાની ભરણપોષણની રકમ ઘટાડવાની અપીલને હાઇકોર્ટે નકારી કાઢી છે. માતાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે જો દીકરીને સરળ પૈસા મળશે તો તે નોકરી શોધવાથી દૂર રહેશે.

દીકરીએ સાવકા પિતા અને ભાઈ સાથે રહેવાનો ઇનકાર કર્યો આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે જામનગર શહેરની પ્રાથમિક શાળામાં અધ્યાપિકા તરીકે કાર્ય કરતી માતા જેણે પહેલા પતિના મૃત્યુ પછી વર્ષ 2018માં ફરી લગ્ન કર્યા હતા. તેને પહેલા લગ્નથી દીકરી હતી. આ દીકરીએ સાવકા પિતા અને સાવકા ભાઈ સાથે રહેવાનો ઇનકાર કર્યો હતો અને નાના નાની સાથે રહેવાનું પસંદ કર્યું હતું.

કોર્ટે સેમેસ્ટર દીઠ 25 હજાર અને માસિક 15 હજાર ભરણપોષણ ચૂકવવા આદેશ આપ્યો હતો દીકરી ધોરણ 10માં હતી ત્યારથી માતા માસિક 5 હજાર રૂપિયાનું ભરણપોષણ ચૂકવતી હતી. દીકરી પુખ્ત થયા બાદ સપ્ટેમ્બર 2022માં ભરણપોષણ અધિનિયમની કલમો હેઠળ માતાથી ભરણપોષણ અને કોલેજ ફીની માગ કરી હતી. સપ્ટેમ્બર 2023માં જામનગર ફેમિલી કોર્ટે માતાને દીકરીના નર્સિંગ કોર્સ માટે 06 સેમેસ્ટર માટે, દર સેમેસ્ટર દીઠ 25 હજાર રૂપિયા અને માસિક 15 હજાર રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે માતાની આવક, તેના બીજા પતિની LIC એજન્સીમાંથી કમાણી અને તેમના જીવનશૈલીને ધ્યાનમાં લીધી હતી.