હેપી ન્યુ યર – રેખા પટેલ (ડેલાવર)
હેપી ન્યુ યર, એટલે નવા વર્ષને હર્ષભેર આવકાર આપવાનો અને વીતેલા વર્ષને સ્મિત સાથે આવજો કહેવાનો સમય. સંધ્યાની લાલિમાથી ભરેલું આભ જ્યારે ધીમે ધીમે અંધકારમાં વિલીન થાય છે, ત્યારે મનમાં પણ ભૂતકાળની યાદો અને ભવિષ્યની આશાઓ એકસાથે ઉમટી આવે છે. આજ અનુભૂતિ સાથે ગયા વર્ષના સુખ–દુઃખ, સફળતા–અસફળતા બધાને હૃદયમાં સ્થાન આપી, નવા સૂર્યોદય સાથે નવી શરૂઆત કરવાની લાગણી જન્મે છે.
આ ક્ષણોમાં યુવાનોના મનમાં ઉત્સાહ અને ઉર્જાનો પ્રવાહ વહે છે. નવા સપના, નવા લક્ષ્યો અને નવી આશાઓ સાથે તેઓ આગળ વધવાની પ્રતિજ્ઞા કરે છે. આકાશમાં ઝળહળતા રંગો અને ઉજવણીનો શોર હોવા છતાં, સાચા ન્યુ યરની ઉજવણી મનની અંદર જન્મતી સકારાત્મકતા અને આત્મવિશ્વાસમાં છુપાયેલી છે.
એવીજ વયસ્ક, જીવનને જીવી ગયેલા લોકો માટે નવું વર્ષ વધુ અર્થસભર અને શાંતિની શોધ લઈને આવે છે. તેમની માટે ન્યુ યર માત્ર ઉજવણી માટે નથી હોતું પરંતુ વિતેલા વર્ષો ઉપર ફરી નજર નાખવાનો આ સમય છે. સમયનું મૂલ્ય અને સંબંધોની ઓળખ સાથે, અધૂરા રહી ગયેલા સ્વપનાઓ ને પૂરા કરવાનો અને ના પૂરા થાય તેમ હોય તો જે મળ્યું તેને સ્વીકારી લેવાનો સમય સૂચવે છે.
નવું વર્ષ લાવે આનંદ, શાંતિ અને પ્રકાશ,
જીવન બને સુખદ, એ જ અમારી આશ.
સંધ્યાની લાલિમાથી રંગાયું છે આભ,
યાદોની છાંયામાં ઝળહળે ભવિષ્યના સ્વપ્નો સાથ.
જૂના દુઃખોને વિદાય આપી સ્મિત સાથે,
નવા સપનાઓ સજાવવા હૃદયને રાખ્યું સાફ..
નવું વર્ષ એટલે નવી શરૂઆત, નવા સપના અને નવી આશાઓનો પ્રતીક. સમગ્ર વિશ્વમાં લોકો ઉત્સાહ અને આનંદ સાથે ન્યુ યરની ઉજવણી કરે છે. ખાસ કરીને યુવાનો માટે ન્યુ યર માત્ર તારીખ બદલાવ નથી, પરંતુ જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા છે.
આજના યુવાનો ન્યુ યરની ઉજવણી અલગ–અલગ રીતે કરે છે. કેટલાક મિત્રો સાથે પાર્ટી કરીને, કેટલાક પ્રવાસે જઈને તો કેટલાક પરિવાર સાથે સમય વિતાવીને નવા વર્ષની શરૂઆત કરે છે. સોશિયલ મીડિયા, મ્યુઝિક, ડાન્સ અને ફટાકડા યુવાનોની ઉજવણીનો ભાગ બની ગયા છે. આ ઉજવણી તેમને દૈનિક તણાવમાંથી થોડી મુક્તિ આપે છે અને આનંદ માણવાની તક આપે છે.
આજના સમયમાં સોશિયલ મીડિયા યુવાનોના જીવનનો અગત્યનો ભાગ બની ગયું છે. ન્યુ યર ઉજવણી દરમિયાન સોશિયલ મીડિયા પર દેખાદેખીની પ્રવૃત્તિ ખાસ કરીને વધી જાય છે. મિત્રો, સેલિબ્રિટીઓ અને ઇન્ફ્લુએન્સર્સ દ્વારા મૂકવામાં આવતી ભવ્ય પાર્ટીઓ, ઉંચા અવાજનું મ્યુઝિક, આકર્ષક ડાન્સ અને મોટા પ્રમાણમાં ફટાકડાઓના વિડિયો જોઈને ઘણા યુવાનો પણ તેવી જ ઉજવણી કરવાની ઇચ્છા રાખે છે. “લાઈક”, “શેર” અને “વ્યૂઝ” મેળવવાની સ્પર્ધા ઘણી વખત ઉજવણીને દેખાવ પૂરતી બનાવી દે છે.
સોશિયલ મીડિયાઅને કારણે દેખાદેખી વધી રહી છે પરિણામે યુવાનો જરૂર કરતાં વધુ ખર્ચ કરે છે, અવાજ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ વધે છે તેમજ સુરક્ષાની અવગણના થવાની શક્યતા રહે છે. કેટલાક યુવાનો તો માત્ર સોશિયલ મીડિયા પર વીડિયો મૂકવા માટે જોખમી સ્ટંટ, અશ્લીલ ડાન્સ અથવા બેદરકારીપૂર્ણ વર્તન પણ કરે છે.
આલ્કોહોલ અને કેફી દ્રવ્યો હવે આવી ઉજવણીનો ભાગ બની રહ્યા છે ત્યારે સાચી ઉજવણી સાચો આંનદ માણી શક્યતા નથી.
સોશિયલ મીડિયા યુવાનોને જોડવાનું અને આનંદ વહેંચવાનું સકારાત્મક માધ્યમ છે, પરંતુ જો તેનો અતિરેક થાય તો તે મૂલ્યો અને સંયમને ભૂલાવી શકે છે. સાચી ઉજવણી એ છે જે દિલથી કરવામાં આવે, દેખાડા માટે નહીં… તો ન્યુ યરની ઉજવણી વધુ અર્થપૂર્ણ અને જવાબદાર બની શકે છે.
ન્યુ યર દરેકની માટે આત્મચિંતન કરવાનો સમય પણ છે. ગયા વર્ષમાં શું શીખ્યા, ક્યાં ભૂલ થઈ અને નવા વર્ષમાં શું સુધારવું—આ બધા પ્રશ્નો પર વિચાર કરવાનો આ ઉત્તમ સમય છે. ઘણા યુવાનો નવા વર્ષના સંકલ્પો (New Year Resolutions) કરે છે, જેમ કે નિયમિત અભ્યાસ કરવો, આરોગ્યનું ધ્યાન રાખવું, નશાથી દૂર રહેવું કે સમાજ માટે કંઈક સારું કરવું. જરૂરિયાત ધરાવતા લોકો માટે સામે ફાળવવો.
વયસ્કો જેઓ મોટાભાગની જીંદગીને જીવી ચૂક્યા છે તેઓ પોતાનાથી થયેલી ભૂલોનું અવલોકન કરી તેણે સુધારવાનો સંપૂર્ણ પ્રયાસ કરી શકે છે. જીવનનો સાચો ઉત્સવ શાંતિ છે , સમજદારી છે અને ખુશ રહેવા માટે માફ કરવાની કળાને વધુ વિકસાવી શકે છે.
જીવનમાં અધૂરા રહી ગયેલા સ્વપનાઓ પૂરા કરવા માટે કમર કસવી, પરિવાર અને સમાજ સાથે સુખની વહેચણી કરવી એજ વયસ્કો માટે ન્યુ યરનું પ્રથમ સ્વપન હોય છે.
આજની ઝડપી જીવનશૈલીમાં કેટલીક વખત ઉજવણી અતિશય બની જાય છે, જેમાં દારૂ, અવ્યવસ્થા અને અકસ્માતોની શક્યતા રહે છે. તેથી યુવાનોને સમજદારી અને જવાબદારી સાથે ન્યુ યરની ઉજવણી કરવી જરૂરી છે. સાચી ઉજવણી એ છે જે પોતાના સાથે–સાથે સમાજ માટે પણ લાભદાયી બને.
અંતમાં કહી શકાય કે ન્યુ યર ઉજવણી યુવાનોના જીવનમાં ઉત્સાહ, આશા અને નવી ઊર્જા ભરે છે. જો આ ઉજવણી આનંદ સાથે સંયમ અને સકારાત્મક વિચાર સાથે કરવામાં આવે, તો નવું વર્ષ ખરેખર સુખદ અને સફળ બની શકે છે.
નવું વર્ષ એ આશા સાથે ખુશી સાથે સ્વીકારાતું જીવનનું નવું પાનું છે. જેને ઉતાવળથી નહીં પણ સમજદારીથી લખવામાં મઝા છે.
9974655756. તમારો whatsapp નંબર


