સુરતમાં AAPના યુવા પાંખના મહામંત્રી શ્રવણ જોશી અને તેના સાથીદાર ચંપત ચૌધરી સામે લિંબાયત વિસ્તારના વેપારીઓને ડરાવી-ધમકાવીને ખંડણી વસૂલવાનો ગુનો નોંધાયો છે. હાલમાં આ મામલે રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર ઘટનાને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે.
તેમણે આક્ષેપ કર્યો છે કે, ભાજપ સાથે જોડાયેલા અનાજ માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડતા તેઓ દ્વારા ખોટી ફરિયાદ કરી પાર્ટીના કાર્યકર્તાઓને ફસાવવામાં આવ્યાં છે. આ સાથે જ પોલીસ દ્વારા માર મારી બળજબરીથી ચંપત ચૌધરી પાસે કબૂલાત કરાવાઈ હોવાનો પણ આપ શહેર પ્રમુખે આક્ષેપ કર્યા છે.

તો બીજી તરફ આજે સુરત કોર્ટ પરિસરમાં વેપારી-પીડિતોએ શ્રવણ જોશી અને ચંપત ચૌધરી સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ સૂત્રોચ્ચાર કરી આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા અને ન્યાયની માગ કરી હતી.
યુવા નેતા શ્રવણકુમાર જોશીને બદનામ કરવાની કોશિશઃ ધર્મેશ ભંડેરી આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના યુવા નેતા શ્રવણકુમાર જોશીને જે રીતે બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. મૂળ રાજસ્થાન બ્રહ્મ સમાજનો યુવાન, ટેકસટાઇલના વ્યવસાય સાથે જોડાયેલ, રાષ્ટ્રીય સ્વયંસેવકનો સ્વયંસેવક, રાષ્ટ્રીય વિચારધારાથી સંપન્ન, ભ્રષ્ટાચારીઓ સામે લડાઈ લડતો યુવાન આમ આદમી પાર્ટી સુરતમાં યુવા મોરચા મહામંત્રી તરીકે જવાબદારી સંભાળે છે.

