Gujarat

ગુજરાતના સપૂત ડૉ. ચંદ્રકાંત શાહ ‘ઑર્ડર ઑફ કેનેડા’થી સન્માનિત

ગુજરાત તથા વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડીમાં જન્મેલા અને કેનેડામાં સ્થાયી થયેલા જાહેર આરોગ્ય નિષ્ણાત ડૉ. ચંદ્રકાન્ત પદમશી શાહને કેનેડાના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક ‘ઑર્ડર ઑફ કેનેડા’થી સન્માનિત કરવામાં આવ્યા છે. કેનેડાના ગવર્નર જનરલ મેરી સિમોન દ્વારા તા. 31 ડિસેમ્બર, 2025ના રોજ આ જાહેરાત કરવામાં આવી હતી.

‘ઑર્ડર ઑફ કેનેડા’ તેવા વ્યક્તિત્વોને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે, જેમના યોગદાનથી અન્ય લોકોના જીવન સમૃદ્ધ બન્યાં હોય અને કેનેડાની પ્રગતિમાં તેમનો નોંધપાત્ર ફાળો હોય. આ સન્માન હેઠળ ત્રણ કૅટેગરી છે – મેમ્બર (MC) : કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય અથવા પ્રાદેશિક અસર માટે (લગભગ 70 ટકા પ્રાપ્તકર્તાઓ); ઑફિસર (OC) : કોઈ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરની અસાધારણ અસર માટે (લગભગ 20–25 ટકા); તથા કમ્પેનિયન (CC): રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ અસર માટે (લગભગ 5–10 ટકા). ડૉ. શાહને ઑફિસર શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે, જેને ભારતના ‘પદ્મ ભૂષણ’ સન્માન સમકક્ષ માનવામાં આવે છે.

વર્ષ 2025ની યાદીમાં કેનેડાના ગવર્નર જનરલે કુલ 80 વ્યક્તિઓને ‘ઑર્ડર ઑફ કેનેડા’થી સન્માનિત કર્યા છે, જેમાં 6 કમ્પેનિયન, 15 ઑફિસર અને 59 મેમ્બરનો સમાવેશ થાય છે. 1967માં સ્થાપના પછી અત્યાર સુધી સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી 8,250થી વધુ લોકોને આ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

ડૉ. ચંદ્રકાંત શાહ માટે જારી કરાયેલા પ્રશસ્તિ-પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “યુનિવર્સિટી ઑફ ટોરોન્ટોના ડાલા લાના સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના પ્રોફેસર એમેરિટસ તરીકે, ચંદ્રકાંત શાહે દેશવ્યાપી જનઆરોગ્ય શિક્ષણમાં પરિવર્તન આણ્યું અને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન આરોગ્ય માટે સશક્ત પ્રયત્નો કર્યા છે.”