પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેવાના કેસમાં કોમ્પ્યુટર ઓપરેટર સોબાન સિરાજ બાગવાલાને ઝડપી પાડવામાં આવ્યો છે. આવાસના હપ્તા પાસ કરાવવા માટે અરજદાર પાસેથી લાંચ લેતા ઝડપાયેલા બાગવાલાને આજે કોર્ટમાં રજૂ કરાતા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી સોબાન બાગવાલાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા હપ્તાના નાણાં છૂટા કરવા માટે એક અરજદાર પાસેથી રૂ. 2,000ની લાંચની માંગણી કરી હતી. અરજદારની ફરિયાદને આધારે, ગોધરા એસીબીની ટીમે ગઇકાલે છટકું ગોઠવીને આરોપીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

આ કેસની વધુ તપાસ માટે મહીસાગર એસીબીની ટીમે આજે આરોપીને ગોધરા કોર્ટમાં રજૂ કર્યો હતો. એસીબી દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જોકે કોર્ટે દલીલો સાંભળ્યા બાદ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

