રાજ્યવેરા નિરીક્ષક, વર્ગ-૩ની પ્રિલિમિનરી કસોટીના આયોજન માટે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના વી.સી. હોલ ખાતે યોજાઈ હતી. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આ કસોટી આગામી 04 જાન્યુઆરી 2026, રવિવારના રોજ રાજ્યના 25 જિલ્લાઓમાં યોજાશે, જેમાં પંચમહાલ જિલ્લાનો પણ સમાવેશ થાય છે.
પંચમહાલ જિલ્લામાં આ પરીક્ષા સવારે 11:00 થી 01:00 કલાક દરમિયાન યોજાશે. ગોધરા ખાતે કુલ 11 પેટા કેન્દ્રો પર 2536 ઉમેદવારો 106 બ્લોકમાં પરીક્ષા આપશે. મુખ્ય કેન્દ્રોમાં ધ ઇકબાલ યુનિયન હાઇસ્કૂલ, શ્રીમતી ટી.સી. સોની માધ્યમિક વિદ્યાલય, સેન્ટ આર્નોલ્ડ હાઇસ્કૂલ, નાલંદા સ્કૂલ, એમ એન્ડ એમ મહેતા હાઇસ્કૂલ, અનજ મહાજન સાર્વજનિક હાઈસ્કૂલ અને રોટરી ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

દિવ્યાંગ ઉમેદવારો માટે ‘ધ ઇકબાલ યુનિયન હાઇસ્કૂલ (સેન્ટર A)’ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કુલ 08 વર્ગખંડોમાં બેઠક વ્યવસ્થા અને 02 વર્ગખંડો લહિયા ધરાવતા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવ્યા છે. દિવ્યાંગ ઉમેદવારોની મદદ માટે 02 ‘દિવ્યાંગ મિત્ર’ (1 સ્ત્રી અને 1 પુરુષ) ની નિમણૂક કરાશે, અને ચાલવામાં અસમર્થ ઉમેદવારો માટે વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
પરીક્ષા સામગ્રીની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સ્ટ્રોંગરૂમની સુરક્ષા માટે PSI કક્ષાના અધિકારીના મોનિટરિંગ હેઠળ 3 શિફ્ટમાં ગાર્ડ તૈનાત રહેશે. પરીક્ષાના દિવસે સવારે 8:00 વાગ્યાથી અધિકૃત ઝોનલ અધિકારીઓ દ્વારા પોલીસ સુરક્ષા હેઠળ કેન્દ્રો પર પ્રશ્નપત્રોનું વિતરણ કરવામાં આવશે.

