Gujarat

શાકભાજીની આડમાં MD ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ

સુરત શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી તાડવાડી શાકમાર્કેટમાં શાકભાજીના વેપારની આડમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. રાંદેર પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને એક શખ્સને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.

શાકભાજીની આડમાં ડ્રગ્સનું વેચાણ કરતો રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, તાડવાડી શાકભાજી માર્કેટ પાસે એક શખ્સ નશાકારક પદાર્થ સાથે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને નઝીલ રસીદ સૈયદ (ઉ.વ. 30) નામના ઈસમને પકડી પાડ્યો હતો. આરોપી વ્યવસાયે શાકભાજીનો વેપાર કરે છે, પરંતુ તેની પાસેથી પોલીસને શાકભાજીને બદલે જીવલેણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ તપાસમાં આરોપી નઝીલ સૈયદ પાસેથી કુલ 17.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂ. 53,100 જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી રોકડા રૂ. 3,880 પણ જપ્ત કર્યા છે. સામાન્ય રીતે ભીડભાડવાળા વિસ્તાર એવા શાકમાર્કેટમાં ડ્રગ્સનું વેચાણ કરીને આરોપી પોલીસની નજરથી બચવાનો પ્રયત્ન કરતો હતો.

ડ્રગ્સનો જથ્થો આપનારા બે આરોપીઓ વોન્ટેડ જાહેર ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડવામાં ઉઝેફ શેખ અને શોયેબ નામના બે શખ્સોની સંડોવણી છે. હાલમાં પોલીસે આ બંને શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની શોધખોળ તેજ કરી છે. આરોપી નઝીલ સૈયદ અગાઉ પણ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.