Gujarat

ઉત્તરાયણ પર્વ નિમિત્તે જામનગર શહેરમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે 15 સેન્ટરો કાર્યરત કરાશે

ઉત્તરાયણના પર્વ નિમિતે જામનગર મરીન નેશનલ પાર્ક દ્વારા કરૂણા અભિયાન-2026 અંતર્ગત ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરી માટે સંસ્થાઓને સાથે રાખીને 15 સેન્ટરો કાર્યરત કરવામાં આવશે. જામનગરમાં શિયાળામાં દેશ-વિદેશના લાખો પક્ષીઓ મહેમાન બને છે. મૃત્યુ પામે છે. જેથી પક્ષીઓને બચાવવા માટે કરૂણા અભિયાન અંતર્ગત 15 સેન્ટરો કાર્યરત કરાવવામાં આવશે.

જેમાં જામનગર શહેરમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, ગંજીવાડા, નાગનાથ ગેટ પાસે તેમજ અર્બન વાઈલ્ડલાઈફ ઈન્ફર્મરી એન્ડ પ્રાથમિક સારવાર કેન્દ્ર-ઠેબા, ખીજડીયા પક્ષી અભયારણ્ય, શહેરના લાખોટા નેચર ક્લબ ડીકેવી કોલેજ પાસે, કુદરત ગૃપ પટેલ કોલોની, શિવદયા ટ્રસ્ટ-લાલપુર ચોકડી પાસે, જીવ સેવ ફાઉન્ડેશન પ્રદર્શન ગ્રાઉન્ડ-સાત રસ્તા પાસે, પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ-પવનચક્કી પાસે, જોડીયામાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, મરીન નેશનલ પાર્ક-તાલુકા પંચાયતની બાજુમાં, ધ્રોલમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી- જામનગર-રાજકોટ હાઈવે, રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી સામાજીક વનિકરણ રેન્જ-જોડીયા રોડ, જામજોધપુરમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી-સામાજીક વનિકરણ રેન્જ અને નોર્મલ રેન્જ તેમજ લાલપુરમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી-બસ સ્ટેશન પાછળ તેમજ કાલાવડમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી- ગંજીવાડો- નદીના સામે કાંઠા અને સિક્કામાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી મરીન નેશનલ પાર્ક-જકાતનાકા પાસે સેન્ટરો કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વન વિભાગે હેલ્પ લાઈન શરૂ કરી જામનગર વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓને બચાવવા માટે હેલ્પ લાઈન નંબર-1926 અને 8320002000 (વોટ્સઅપમાં કરૂણા ટાઈપ કરીને મોકલવાથી ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાની કરૂણા અભિયાનની વિગતવાર માહિતી મળી શકશે. તેમજ એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નં-1962 અને વીજ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર-19122 તેમજ 1800233155333 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.