Gujarat

જૂનાગઢ પુરવઠા વિભાગની રેશન કાર્ડ ધરાકો સામે લાલ આંખ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત દરે અનાજ અને કઠોળ પૂડું પાડવા માટે અનેક યોજનાઓ અમલી છે. જોકે, ઘણા આર્થિક સધ્ધર લોકો પણ ગરીબોના હકનું અનાજ પડાવતા હોવાની વિગતો સામે આવતી હોય છે.

આ દિશામાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસી (e-KYC) ની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડેટાની ચકાસણી દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારી કે. બી. ગરસરે 33 હજારથી વધુ અપાત્ર સભ્યોને NFSA (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) ની યાદીમાંથી કમી કરવાનો આદેશ આપ્યો છે.

1.37 લાખ સભ્યોનો ડેટા શંકાસ્પદ જણાયો ​જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી કે. બી. ગરસરે વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ કુલ 9,32,121 સભ્યો નોંધાયેલા છે. સરકારના આદેશ મુજબ જ્યારે આ સભ્યોનું ઈ-કેવાયસી કરવામાં આવ્યું, ત્યારે કુલ 1,37,527 સભ્યોનો ડેટા શંકાસ્પદ જણાયો હતો.

તપાસમાં સામે આવ્યું હતું કે ઘણા સભ્યો પાસે મર્યાદા કરતા વધુ જમીન હતી, કેટલાક ઈન્કમ ટેક્સ ભરતા હતા, તો કેટલાક કિસ્સામાં સભ્યનું અવસાન થયું હોવા છતાં તેમના નામે અનાજ ઉપાડવામાં આવતું હતું.

​33,678 સભ્યોને NFSA માંથી હટાવાયા ​તંત્ર દ્વારા છેલ્લા 6 મહિનાથી આ યાદી તૈયાર કરી ફિલ્ડ લેવલે ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન તમામ કાર્ડધારકોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપીને આધાર પુરાવા કે આવકના પુરાવા રજૂ કરવા તક આપવામાં આવી હતી.

આમ છતાં, 33,678 સભ્યો દ્વારા કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ ન કરાતા, તેમને ‘અપાત્ર’ જાહેર કરવામાં આવ્યા છે. હવે આ સભ્યોને NFSA (સસ્તા અનાજના લાભાર્થી) માંથી દૂર કરી Non-NFSA (સામાન્ય રેશન કાર્ડ) કેટેગરીમાં ફેરવી દેવામાં આવ્યા છે. જ્યારે 99,246 સભ્યોએ પુરાવા રજૂ કરતા તેઓ પાત્ર ઠર્યા છે.