Gujarat

અલથાણમાં 235 કિલો સડેલા બટાકા-ચણા અને 10,000 પુરીઓનો નાશ

સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહાનગરપાલિકાએ ઝુંબેશ તેજ કરી છે. અઠવા ઝોનના આરોગ્ય વિભાગે ભટાર અને અલથાણ વિસ્તારમાં પાણીપુરીના લારી-ગલ્લાઓ પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન ગંદકી અને અખાદ્ય સામગ્રીનું ભયાનક સામ્રાજ્ય જોવા મળ્યું હતું. તંત્રએ સ્થળ પર જ કાર્યવાહી કરી અંદાજે 235 કિલો જેટલા સડેલા બટાકા, ચણા અને માવા-મસાલાનો નાશ કર્યો હતો, જે લોકોના પેટમાં જઈને મોટી બીમારી નોતરી શકે તેમ હતા.

10,000 નંગ પુરીઓ ફેંકી દેવાઈ લોકોના જીવ સાથે રમત કરનારાઓને 48 હજારનો દંડ આરોગ્ય વિભાગની ટીમે તપાસ દરમિયાન જોયું કે અનેક વિક્રેતાઓ વાસી અને દુર્ગંધ મારતી પુરીઓ ગ્રાહકોને પીરસી રહ્યા હતા. પરિણામે, 10,000 નંગ જેટલી અખાદ્ય પુરીઓનો જથ્થો તાત્કાલિક ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પર્યાવરણને નુકસાન કરતા 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકને પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ગંભીર બેદરકારી બદલ 18 જેટલા એકમો પાસેથી કુલ 48,000 રૂપિયાનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો, જેનાથી ખાણીપીણીના બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ભ્રષ્ટ એજન્સીને અઢી કરોડનો જંગી દંડ બીજી તરફ, સુરતના ચકચારી ખજોદ કચરા કૌભાંડમાં પાલિકા કમિશનરે કડક વલણ અપનાવ્યું છે. કચરાનું પ્રોસેસિંગ કર્યા વિના જ તેને બહાર વેચી દેવાના અને વજનમાં ગેરરીતિ આચરવાના ગુનામાં સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સીને 2.50 કરોડ રૂપિયાનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. એજન્સીએ અધિકારીઓ સાથે મળીને કરેલા આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે પાલિકા તંત્રમાં મોટા ફેરફારોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓને શો-કોઝ નોટિસ આ કૌભાંડમાં માત્ર ખાનગી એજન્સી જ નહીં, પણ પાલિકાના પોતાના અધિકારીઓની મિલિભગત પણ સામે આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર રાકેશ મોદી અને એન્વોયરમેન્ટ એન્જિનિયર શરદ કાકલોતરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ફરજમાં બેદરકારી અને ભ્રષ્ટાચારને છાવરવા બદલ આ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહીથી પાલિકાના એન્જિનિયરિંગ વિભાગમાં ગભરાટનો માહોલ છે.