Gujarat

ઉત્તરાયણમાં ૭૨ પક્ષીઓ ઘાયલ થયેલા, રેસ્ક્યૂ કરાયા

માણસામાં શિવેન ફાઉન્ડેશન દ્વારા ‘મહા કરૂણા અભિયાન‘ હેઠળ સારવાર

ઉત્તરાયણ પર્વ દરમિયાન માણસા શહેર અને આસપાસના વિસ્તારોમાં પતંગની દોરીથી ઘાયલ થયેલા ૭૨ પક્ષીઓનું રેસ્ક્યુ કરીને સારવાર કરવામાં આવી છે. શિવેન ફાઉન્ડેશન દ્વારા ‘મહા કરૂણા અભિયાન ૨૦૨૬‘ અંતર્ગત જય ભોલે રેસ્ક્યુ ટીમના સભ્યોએ આ કામગીરી હાથ ધરી હતી.

આ અભિયાન ૧૪ જાન્યુઆરીથી ૧૬ જાન્યુઆરી સુધી ચાલશે. ઘાયલ પક્ષીઓને વૃક્ષો કે થાંભલા પરથી કાળજીપૂર્વક બચાવીને માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીના કાર્યાલય નીચે તૈયાર કરાયેલા ખાસ કંટ્રોલ રૂમમાં લાવવામાં આવે છે. અહીં નિષ્ણાત વેટરનરી ડોકટરો દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવે છે.

છેલ્લા બે દિવસમાં સૌથી વધુ કબૂતરો ઘાયલ થયા છે. આ ઉપરાંત ચકલી, આઈબીસ, હોલા અને બગલા જેવા પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. કુલ ૭૨ પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર અપાઈ છે, જ્યારે ૧૨ જેટલા પક્ષીઓને બચાવી શકાયા નથી. જય ભોલે ટીમ દ્વારા મો.નં ૯૯૭૪૭૫૬૪૨૦ પર કોલ કરી ઘાયલ પક્ષીઓની જાણકારી આપવા અપીલ કરવામાં આવી છે.

પક્ષી બચાવો ટીમ દ્વારા જાણવા મળ્યું છે કે મોટાભાગના પક્ષીઓ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી ઘાયલ થયા હતા. ઉત્તરાયણ પર્વની ઉજવણી વચ્ચે પક્ષીઓને બચાવીને સેવા કરતા જય ભોલે ટીમના યુવાનોની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.