Gujarat

કડીમાં પતિના મિત્રએ પરિણીતા પર ૩ વાર દુષ્કર્મ આચર્યું

પરિણીતાનો પતિ જેલમાં હોવાનો લાભ ઉઠાવ્યો, પતિ જેલમાંથી છૂટ્યા બાદ ઝઘડો કરાવ્યો

કડી પંથકમાં માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. ચોરીના ગુનામાં પતિ જેલમાં હોવાનો લાભ ઉઠાવી તેના જ મિત્રએ એક પરિણીતા પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ વીડિયો કોલ પર છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે કડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પતિ જેલમાં ગયાના બીજા જ દિવસથી વાતચીત શરૂ કરી: પોલીસ ફરિયાદ મુજબ, કડીના જાસલપુર રોડ પર રહેતી ૨૫ વર્ષીય પરિણીતાના પતિને ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ચોરીના કેસમાં જેલ થઈ હતી. પતિ જેલમાં ગયાના બીજા જ દિવસે, ૧૭ ડિસેમ્બરે, પતિના મિત્ર અને ગ્રીનવિલા સોસાયટીમાં રહેતા આરોપી અહેસાન આરીફભાઈ લુહારે પરિણીતાને ફોન કર્યો હતો. તેણે પૈસાની જરૂરિયાત અંગે પૂછી વાતચીત શરૂ કરી હતી.

૧૭ ડિસેમ્બરની રાત્રે પહેલીવાર દુષ્કર્મ: ૧૭ ડિસેમ્બરની રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્યે, જ્યારે પીડિતા તેના બાળકો સાથે સૂતી હતી, ત્યારે આરોપી અહેસાન તેના ઘરે આવ્યો હતો. તેણે બાળકો માટે નાસ્તો લાવ્યો હોવાનું કહી દરવાજાે ખોલાવ્યો હતો. પરિણીતાએ વિરોધ કર્યો છતાં, આરોપી જબરદસ્તી ઘરમાં ઘૂસી ગયો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું.

૨૦ ડિસેમ્બરની રાત્રે બીજીવાર દુષ્કર્મ: આ હેવાનિયત અહીં જ અટકી ન હતી. બીજા દિવસે આરોપીએ પીડિતાને વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો અને હાથમાં છરી બતાવી ધમકી આપી કે જાે આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ. આ ડરના કારણે પરિણીતા ચૂપ રહી. ત્યારબાદ ૨૦ ડિસેમ્બરની રાત્રે આરોપી ફરીથી આવ્યો અને “દરવાજાે નહીં ખોલે તો બૂમો પાડી સમાજ ભેગો કરીશ” તેવી ધમકી આપી ફરીથી દુષ્કર્મ આચર્યું.

૨૩ ડિસેમ્બરની રાત્રે ત્રીજી વાર દુષ્કર્મ: ૨૩ ડિસેમ્બરની રાત્રે આરોપી ફરીથી આવ્યો અને કહ્યું કે તે તેના મોબાઈલમાંથી પોતાનો નંબર ડિલીટ કરવા આવ્યો છે. આ બહાને ઘરમાં ઘૂસી તેણે ત્રીજી વાર દુષ્કર્મ આચર્યું. તેણે ધમકી આપી કે જાે આ વાત કોઈને કહીશ તો તેના પતિને જેલમાંથી છૂટવા નહીં દે.

૧લી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પીડિતાના પતિ જામીન પર છૂટીને આવ્યા હતા. ત્યારે આરોપી અહેસાને ઉલટા ચોર કોટવાળને દંડે તેમ, પતિને પીડિતા વિરુદ્ધ ચઢામણી કરી હતી. જેના કારણે પતિએ પત્ની સાથે ઝઘડો કરતા પીડિતા કલોલ પોતાના પિયર જતી રહી હતી. ત્યાં તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. અંતે હિંમત એકઠી કરી પીડિતાએ કડી પોલીસ સ્ટેશનમાં આરોપી અહેસાન લુહાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪(૨)(દ્બ) સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

હાલમાં કડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ડી.પી. ચાવડા આ ગંભીર ગુનાની વધુ તપાસ ચલાવી રહ્યા છે.