રૂપિયા ૪.૮૦ લાખની ઘરફોડ ચોરીમાં ઘરકામ કરતી મહિલા અને તેના પતિની ધરપકડ
ભાવનગર શહેરના હિમાલિયા મોલ નજીક આવેલા હિમાલિયા સ્કાય ફ્લેટમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ઘરકામ માટે રાખવામાં આવેલી મહિલાએ જ ઘરમાંથી રોકડ રૂપિયા અને કિંમતી સોનાના દાગીના મળી કુલ રૂ. ૪ લાખ ૮૦ હજારની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગણતરીની કલાકોમાં મહિલા અને તેના પતિને ૨૫ હજાર રોકડ અને બે સોનાના ચેઇન સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઘરફોડ ચોરીની ઘટના બની હતી.
નિલમબાગ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હિમાલિયા મોલની બાજુમાં આવેલ હિમાલિયા સ્કાય ફ્લેટમાં રહેતા ફરિયાદી હાર્દિકભાઈ મહેશચંદ્રભાઈ કારેલીયાના ઘરે ઘરકામ માટે રાખવામાં આવેલી છાયાબેન સોલંકી પર ચોરીની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. તા. ૧૦ ડિસેમ્બરથી આજદિન સુધીમાં ઘરમાંથી રોકડા રૂ. ૨,૬૦,૦૦૦ તેમજ ૨,૨૦,૦૦૦ સોનાના દાગીના ગુમ થયા હોવાની ગઈકાલ તા. ૧૩ જાન્યુઆરીના રોજ છાયાબેન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નિલમબાગ પોલીસે ગણતરીની કલાકોમાં છાયાબેન ધર્મેશભાઈ સોલંકી અને તેના પતિ ધર્મેશભાઈ સોલંકીને મુદામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં નિલમબાગ પોલીસ સ્ટેશના પીએસઆઇ મકવાણાએ ટેલિફોનિક વાતચીત જણાવ્યું હતું કે, છાયાબેન ધર્મેશભાઈ સોલંકી વિરુદ્ધ ચોરી અંગે ફરિયાદ નોંધી હતી. જાેકે, તપાસ દરમિયાન આ બનાવમાં તેના પતિ ધર્મેશભાઈ સોલંકીની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં બન્ને પતિ-પત્નીને ઝડપી પાડ્યા હતા અને ગઈકાલના રોજ તેમને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. આવતીકાલ તા. ૧૫ જાન્યુઆરીના રોજ સાંજે પૂર્ણ થશે. જેમાં તપાસ દરમિયાન બંને પાસેથી રોકડ રૂપિયા ૨૫,૦૦૦ હજાર અને ૨ સોનાના ચેઇન કબ્જે કરવામાં આવ્યો છે અને અન્ય મુદામાલ અંગે પતિ-પત્નીની પૂછપરછ કરતા ચોરી કરેલ અન્ય બે સોનાના ચેઇન બેંકમાં મૂકી મોરગેજ લોન લીધી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે અન્ય મુદામાલ રિકવર કરવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

