National

ભાજપ ૨૦ જાન્યુઆરીએ નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત કરશે

નીતિન નવીન જેપી નડ્ડાની જગ્યા લેશે તેવું સુત્રોનું માનવું છે

ભાજપે શુક્રવારેજાહેર કર્યું હતું કે, ૨૦ જાન્યુઆરીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરશે અને આ માટેનું સમયપત્રક જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ પદ માટે નામાંકન ૧૯ જાન્યુઆરીએ દાખલ કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર કે. લક્ષ્મણ દ્વારા જાહેર કરાયેલ સંગઠનાત્મક મતદાન સમયપત્રક મુજબ, પાર્ટીના વડાની ચૂંટણી માટે ૧૯ જાન્યુઆરીએ બપોરે ૨ થી ૪ વાગ્યાની વચ્ચે ઉમેદવારી નોંધાવી શકાશે અને તે જ દિવસે સાંજે ૫ થી ૬ વાગ્યાની વચ્ચે ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે.

ભાજપના રાજ્યસભા સાંસદ લક્ષ્મણ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, ઉમેદવારોના ઉમેદવારીપત્રોના દસ્તાવેજાેની ચકાસણી ૧૯ જાન્યુઆરીએ સાંજે ૪ થી ૫ વાગ્યાની વચ્ચે કરવામાં આવશે.

જાે જરૂર પડે તો ૨૦ જાન્યુઆરીએ મતદાન યોજાશે અને નવા ચૂંટાયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત તે જ દિવસે કરવામાં આવશે, એમ લક્ષ્મણે જણાવ્યું હતું. સમગ્ર મતદાન પ્રક્રિયા પાર્ટી મુખ્યાલય ખાતે યોજાશે.

નીતિન નવીન બિનહરીફ ચૂંટાય તેવી શક્યતા

પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ નીતિન નવીન બિનહરીફ ચૂંટાય તેવી શક્યતા છે કારણ કે પાર્ટીના કોઈ અન્ય નેતા આ ચૂંટણીમાં જાેડાય તેવી શક્યતા ઓછી છે. નવીન જે પી નડ્ડાનું સ્થાન ભાજપના અધ્યક્ષ તરીકે લે તેવી શક્યતા છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્ટીના ટોચના નેતૃત્વ નવીનની ઉમેદવારીને સમર્થન આપી રહ્યા છે.

કુલ ૫,૭૦૮ મતદારો

દરેક સેટમાં મહત્તમ ૨૦ પ્રસ્તાવકો

૫ રાજ્યોમાંથી ઓછામાં ઓછા ૫ પ્રસ્તાવકો

ભાજપ દરેક રાજ્યમાંથી પ્રસ્તાવકોના એક સમૂહનો લક્ષ્ય રાખે છે

નામાંકન દરમિયાન પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા હાજર રહેશે.

ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રદેશ પ્રમુખો પણ નામાંકન દિવસે હાજર રહેશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે તૈયાર કરાયેલી મતદાર યાદીમાં ૫,૭૦૮ થી વધુ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મતદાર યાદી ૩૦ રાજ્યોમાંથી સંકલિત કરવામાં આવી છે જ્યાં સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તેમાં રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના નેતાઓના નામ શામેલ છે.

રાષ્ટ્રીય પરિષદના સંસદીય પક્ષમાં ૩૫ સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથ સિંહ જેવા નેતાઓનો સમાવેશ થાય છે.