Gujarat

બાકીદારોમાં ફફડાટ: બહિયલમાં૧૦ હજારથી વધુનો વેરો બાકી રાખનારાના નળ કનેક્શન કપાશે

દહેગામ તાલુકાની બહિયલ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં બાકી વેરા વસૂલાત સંદર્ભે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વારંવારની સૂચના અને નોટિસ છતાં વેરો ન ભરનારા આસામીઓ સામે તંત્રએ આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેના ભાગરૂપે શુક્રવારનાં રોજ રૂપિયા ૧૦,૦૦૦થી વધુનો વેરો બાકી હોય તેવા ઈસમોના નળ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા કક્ષાની મીટિંગમાં વેરા વસૂલાત બાબતે આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે, તાલુકા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.બહિયલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા પંચાયત સ્ટાફ દ્વારા ગામમાં રૂબરૂ જઈને જાેડાણો કાપવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.પંચાયત સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અચાનક કરવામાં આવી નથી ગયા વર્ષે પણ નોટિસ અપાઈ હતી એક વર્ષ અગાઉ પણ બાકીદારોને વેરો ભરવા અંગે જાણ કરવામાં આવી હતી.ચાલુ વર્ષે પણ તાકીદ કરી ચાલુ વર્ષે પણ અગાઉથી નોટિસ આપીને વેરો જમા કરાવી દેવા સૂચના અપાઈ હતી. આમ વારંવારની જાણ છતાં જે લોકોએ વેરો ભરવામાં ઉદાસીનતા દાખવી હતી, તેમના કનેક્શન આજે કાપી નાખવામાં આવ્યા છે.

હવે પછીનો લક્ષ્યાંક ૫ થી ૧૦ હજારના બાકીદારો પાસેથી વસુલાત કરવાનો છે. અંગે પંચાયતે સ્પષ્ટ કર્યું છે કે આ ઝુંબેશ હજુ ચાલુ રહેશે.પ્રથમ તબક્કો રૂપિયા ૧૦,૦૦૦થી વધુની રકમ બાકી હોય તેવા આસામીઓ પર કાર્યવાહી કરાઈ છે જ્યારે નજીકના દિવસોમાં બીજા તબક્કામાં જેમના રૂપિયા ૫,૦૦૦ થી થી ૧૦,૦૦૦ સુધીના વેરા બાકી છે, તેમને પણ નોટિસ ફટકારીને નળ કનેક્શન કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ગ્રામ પંચાયતની આ આકરી કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.