Gujarat

ગુજરાતના ટોચના નેતાઓને દિલ્હીનું તેડું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈ ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ૨ દિવસ હાજરી આપશે

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ગુજરાત ભાજપના ટોચના નેતાઓ બે દિવસના દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે. ૧૯ જાન્યુઆરીએ નામાંકન અને ૨૦ જાન્યુઆરીએ અધ્યક્ષની જાહેરાતની પ્રક્રિયામાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના અગ્રણીઓ દિલ્હી જશે. ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં પ્રસ્તાવક તરીકે ભાગ લેવા માટે અનેક વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા, નિમુબેન બાંભણિયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષો, પૂર્વ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો તથા વિવિધ મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા માટે વિશેષ આમંત્રિત સભ્યો તરીકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના અનુભવી નેતાઓ દિલ્હી ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા સ્વિટ્ઝરલેન્ડના પ્રવાસે હોવાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં તેઓ દિલ્હી હાજર રહી શકશે નહીં.