Gujarat

અમદાવાદી ભાઈઓએ વિદેશના વર્ક વિઝાના નામે ૭૦ લાખ લૂંટ્યા

વોટ્સએપ પર ન્યૂઝીલેન્ડની ફેક એર ટિકિટ-વર્ક વિઝા મોકલી ગાંધીનગરના ૪ મિત્રોને ફસાવ્યા, પૈસા માગતા ફરાર

વિદેશ જવા ઈચ્છતા યુવાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ઠગાઈ કરતી ટોળકીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કુડાસણમાં રહેતા ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટના વેપારીના ચાર મિત્રોને ન્યૂઝીલેન્ડ મોકલવાના બહાને ખોટી એર ટિકિટો અને બનાવટી વિઝા લેટર્સ પધરાવી અમદાવાદના બે ભાઈઓએ ૭૦ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ગાંધીનગરના કુડાસણ શિવાલય શીવાલય પરિસરમાં રહેતા અને રૂદ્ર એન્ટરપ્રાઇઝ નામે ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટનો વેપાર કરતા પ્રધ્યુમનસિંહ અશોકસિંહ વાઘેલાને તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્ર અંકિત રાજગોરે ફેબ્રુઆરી-૨૦૨૫માં અવધ જીતેન્દ્રભાઈ રાજગોર (સી-૧૨૧૫, સિધ્ધી વિનાયક બિઝનેસ ટાવર, ડી.સી.બી. ઓફિસની પાછળ, મકરબા) સાથે મુલાકાત કરાવી હતી. એ વખતે અવધે પોતે વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતો હોવાનું અને તેનો ભાઈ સિદ્ધાર્થ રાજગોર દુબઈમાં ‘વર્લ્ડ કનેક્ટ (હ્લઢઝ્ર)‘ નામની કંપની ધરાવતો હોવાનું જણાવ્યું હતું. જેણે પ્રધ્યુમનસિંહના મિત્રો શુભમ પટેલ, ચેતન પટેલ, રાજ પટેલ અને મિતેષ પટેલને ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાની ખાતરી આપી હતી.

આથી, વિઝા માટે પ્રતિ વ્યક્તિ ૨૦ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. બાદમાં પ્રધ્યુમનસિંહે ૧૩ એપ્રિલ, ૨૦૨૫થી ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન તબક્કાવાર કુલ ૭૦ લાખ રૂપિયા બેંક ટ્રાન્સફર અને રોકડ દ્વારા બંને ભાઈઓને ચૂકવ્યા હતા એટલે બંનેએ વિશ્વાસ કેળવવા માટે વોટ્સએપ પર ન્યૂઝીલેન્ડના બનાવટી વર્ક વિઝા લેટર અને અમદાવાદથી કંબોડિયા તથા કંબોડીયાથી ન્યૂઝીલેન્ડની ખોટી એર ટિકિટો મોકલી આપી હતી. જાેકે, પ્રધ્યુમનસિંહે વિઝાના અસલ ડોક્યુમેન્ટ્સની માંગણી કરી ત્યારે બંનેએ ગલ્લાંતલ્લાં કરવાનું શરૂ કર્યું હતું. જે અંગે તેમણે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મોકલેલી તમામ ટિકિટો અને વિઝા લેટર્સ તદ્દન ખોટા અને બનાવટી હતા. આથી તેમણે વિઝાના કામે આપેલા નાણાં પરત માંગવા છતાં આજદિન પરત ન કરતા અંતે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.