Gujarat

ખેડૂતવાસમાં મહિલાના મકાનમાં પોલીસનો દરોડો

ભાવનગર ઘોઘારોડ પોલીસે ખેડૂતવાસ મેલડીમાની ધાર મફતનગર વિસ્તારમાં દરોડો પાડી એક મહિલાના રહેણાંક મકાનમાંથી ઈંગ્લિશ દારૂની 360 બોટલો જપ્ત કરી છે. અંદાજે 47 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મહિલાની સામે પ્રોહીબિશન કલમ હેઠળ ગુનો નોંધાયો છે, જ્યારે આરોપીની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને મહિલાના ઘરમાં દારૂ હોવાની બાતમી મળી હતી ઘોઘારોડ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, 26 જાન્યુઆરીના રોજ ભાવનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહીબિશન તથા જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

આ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા સ્ટાફને બાતમી મળી હતી કે શહેરના ખેડૂતવાસ મેલડીમાંની ધાર મફતનગર વિસ્તારમાં રહેતા રાધાબેન રાજેશભાઈ ચુડાસમાએ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે ઈંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહિત કર્યો છે. મળેલી બાતમીના આધારે, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સ્ટાફને ભાવનગર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીએ બોલાવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

મહિલા આરોપીની શોધખોળ શરૂ ત્યારબાદ પોલીસ ટીમ બાતમીવાળી જગ્યાએ પહોંચી રાધાબેન રાજેશભાઈ ચુડાસમાના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં કોઈ વ્યક્તિ હાજર મળી આવી નહોતી. જોકે, મકાનની તપાસ દરમિયાન ઈંગ્લિશ દારૂની અલગ-અલગ કંપનીઓની નાની-મોટી કુલ 360 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 47,712 થાય છે. આ મુદ્દામાલ જપ્ત કરી ઘોઘારોડ પોલીસ મથકે મહિલાની વિરુદ્ધ પ્રોહીબિશન કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ આરોપી મહિલાને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.